<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

પાકિસ્‍તાન આતંકવાદીઓનો ગઢઃ ભારત વિરોધી સંગઠનોનાં નેટવર્ક

અમેરિકામાં પ્રકાશિત CRSના રિપોર્ટે પાકિસ્‍તાનની પોલ ખોલી

ન્‍યુયોર્ક,તા.૩૦: અમેરિકામાં કોન્‍ગ્રેસ રિસર્ચ સર્વિસ (CRS)ના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્‍યો છે કે પાકિસ્‍તાનમાં ઘણાં આતંકવાદી સંગઠનો સક્રિય છે જેઓ જમ્‍મુ અને કાશ્‍મીર તથા ભારતકેન્‍દ્રિત છે. આ રિપોર્ટમાં પાકિસ્‍તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. એમાં જણાવવામાં આવ્‍યું છે કે લશ્‍કર-એ-તય્‍યબા અને જૈશ-એ-મોહમ્‍મદ જેવાં ભારતવિરોધી આતંકવાદી સંગઠનો પાકિસ્‍તાનની ધરતી પર એમના નેટવર્કનું સંચાલન કરી રહ્યાં છે. આ સંગઠનો ભારતવિરોધી કામ કરે છે અને એમનાં નેટવર્ક કોઈ પણ અવરોધ વિના ચાલી રહ્યાં છે.

૨૫ માર્ચે પ્રકાશિત કરવામાં આવેલા આ રિપોર્ટમાં ૧૫ આતંકવાદી સંગઠનોની વાત કરવામાં આવી છે, જેમાંથી કેટલાંક સંગઠનોને અમેરિકાએ આતંકવાદી સંગઠન જાહેર કર્યાં છે. આ સંગઠનોમાં લશ્‍કર-એ-તય્‍યબા (LeT), જૈશ-એ-મોહમ્‍મદ (JeM), હરકત-ઉલ-જેહાદ ઇસ્‍લામી (HUJI), હરકત ઉલ-મુજાહિદ્દીન (HUM) અને હિઝબુલ મુજાહિદ્દીન (HM)નો સમાવેશ છે.

લશ્‍કર-એ-તય્‍યબા (LeT)  ૧૯૮૦ના દશકમાં બનેલા આ સંગઠનને ૨૦૦૧માં અમેરિકાએ આતંકવાદી જાહેર કર્યું હતું. હાલમાં આ સંગઠન પાકિસ્‍તાનના પંજાબ અને પાકિસ્‍તાને પચાવી પાડેલા કાશ્‍મીરમાં આવેલું છે. હાલમાં જેલમાં બંધ હાફિઝ સઈદનું નેતૃત્‍વ ધરાવતા આ સંગઠને એનું નામ બદલીને જમાત-ઉદ-દાવા કરી દીધું છે. એની પાસે ઘણા આતંકવાદીઓ છે જેમણે ૨૦૦૮માં મુંબઈમાં હુમલો કર્યો હતો.

જૈશ-એ-મોહમ્‍મદ (JeM) વર્ષ ૨૦૦૦માં મસૂદ અઝહરે આ સંગઠન સ્‍થાપ્‍યું હતું અને અમેરિકાએ ૨૦૦૧માં એને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. ૨૦૦૧માં ભારતની સંસદ પર થયેલા હુમલામાં આ સંગઠન સામેલ હતું. એની પાસે ૫૦૦ આતંકવાદીઓ છે જેઓ ભારત, પાકિસ્‍તાન અને અફઘાનિસ્‍તાનમાં કાર્યરત છે. એનો ઉદ્દેશ ભારતના કાશ્‍મીરને પાકિસ્‍તાન સાથે ભેળવી દેવાનો છે. આ સંગઠને અમેરિકા સામે પણ યુદ્ધની જાહેરાત કરી છે.

હિઝબુલ મુજાહિદ્દીન (HM) ૧૯૮૯માં બનેલા આ સંગઠનને અમેરિકાએ ૨૦૧૭માં આતંકવાદી જાહેર કર્યું હતું. આ કાશ્‍મીરકેન્‍દ્રિત સંગઠન છે. એની પાસે ૧૫૦૦ આતંકવાદીઓ છે. તેઓ ભારતના કાશ્‍મીરને આઝાદ કરાવવા માગે છે. આ સંગઠન અલ-કાયદા અને બીજાં સંગઠનો સાથે મળીને કામ કરે છે. 

(10:01 AM IST)