<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

એક્‍સિડન્‍ટમાં મહિલાનો જીવ ગયોઃ કોઈ તેનું સ્‍કૂટર-હેન્‍ડબેગ તફડાવી ગયું

માનવતાને લજવતી ઘટના ...પતિના અવસાન પછી બે નાની દીકરીઓનો સહારો હતી આ મહિલા

મુંબઈ,તા.૩૦: ચેમ્‍બુરના સનાતન વિદ્યાલય નજીક થયેલા રોડ-ઍક્‍સિડન્‍ટમાં ૩૫ વર્ષની લક્ષ્મી નાંદગાવકરનું ડમ્‍પરની અડફેટે આવતાં ઘટનાસ્‍થળે જ મૃત્‍યુ થયું હતું. આ મામલે RCF પોલીસે અકસ્‍માતની ફરિયાદ નોંધીને ૨૧ વર્ષના ડમ્‍પર-ડ્રાઇવર અરમાન નિષાદની ધરપકડ કરી છે. વાશીનાકા વિસ્‍તારમાં બે નાની દીકરીઓ સાથે રહેતી લક્ષ્મી પરિવારનો એકમાત્ર આધાર હતી અને ઘરે-ઘરે ઑનલાઇન સામાન પહોંચાડીને જીવનનિર્વાહ ચલાવતી હતી. તેના અચાનક નિધનથી તેની બન્ને દીકરીઓ મુશ્‍કેલીમાં મુકાઈ ગઈ છે.

આ બનાવ બાદ સ્‍થાનિક લોકોમાં દુઃખ અને ચિતા વ્‍યાપ્‍યાં છે. બીજી તરફ અકસ્‍માત બાદ લક્ષ્મીને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં પહોંચાડવાને બદલે ભેગા થયેલા લોકોમાંથી કોઈ વ્‍યક્‍તિએ તેનું ઍક્‍ટિવા સ્‍કૂટર તફડાવી લીધું હોવાનો તેમ જ તેની બેગમાં રાખેલો મોબાઇલ પણ ચોરાઈ ગયો હોવાનો દાવો લક્ષ્મીની બહેન મીનાક્ષી લાંડગેએ કર્યો છે. જોકે લક્ષ્મીનું સ્‍કૂટર અને હેન્‍ડબેગ લઈ જતો યુવક CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે.

ચાર વર્ષ પહેલાં લક્ષ્મીના પતિના અવસાન બાદ બે નાની દીકરીઓના ભવિષ્‍યને ધ્‍યાનમાં રાખીને તે પતિનું ટૂ-વ્‍હીલર ચલાવવાનું શીખી અને ઑનલાઇન ઑર્ડર મુજબ ઘરે-ઘરે સામાન પહોંચાડવાનું કામ કરતી હતી એમ જણાવતાં મીનાક્ષી લાંડગેએ ‘મિડ-ડે'ને કહ્યું હતું કે ‘શુક્રવારે સાંજે ૬ વાગ્‍યે બન્ને બાળકીઓને ઘરે મૂકીને તે સ્‍કૂટર પર ડિલિવરી માટે નીકળી હતી. એ દરમ્‍યાન ચેમ્‍બુરના સનાતન વિદ્યાલય નજીક પાછળથી આવતા એક ડમ્‍પરે તેના સ્‍કૂટરને પાછળથી ટક્કર મારી હતી જેમાં લક્ષ્મી સ્‍કૂટર પરથી સંતુલન ગુમાવીને જમીન પર પટકાઈ હતી. આ ઘટનામાં તેના માથામાં માર વાગતાં તે બેભાન થઈ ગઈ હતી. એ પછી ભેગા થયેલા લોકો તેને રાજાવાડી હોસ્‍પિટલ લઈ ગયા હતા જ્‍યાં ડોક્‍ટરે તેને મૃત જાહેર કરી હતી.'

મીનાક્ષી લાંડગેએ કહ્યું હતું કે ‘અકસ્‍માત થયો હોવાની જાણ થતાં અમે હોસ્‍પિટલ પહોંચ્‍યાં હતાં. ત્‍યાં લક્ષ્મીનું મૃત્‍યુ થયું હોવાની માહિતી મળતાં તેનો ઍક્‍સિડન્‍ટ કઈ રીતે થયો એ જોવા માટે અમે જ્‍યારે ઘટનાસ્‍થળે ગયાં ત્‍યારે લક્ષ્મીનું સ્‍કૂટર કે મોબાઇલ મળ્‍યાં નહોતાં. અમને માહિતી મળી હતી કે તેને મદદ કરવા ભેગા થયેલા લોકોમાંથી કોઈ વ્‍યક્‍તિ તેનું સ્‍કૂટર સાઇડમાં પાર્ક કરવાના બહાને ચોરી ગયું હતું અને મોબાઇલ પણ ચોરાઈ ગયો હતો.

RCF પોલીસ-સ્‍ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘અકસ્‍માત બાદ અમે ડમ્‍પર-ડ્રાઇવર અરમાન નિષાદની ધરપકડ કરી છે. અકસ્‍માત કઈ રીતે થયો એ જાણવા વધુ તપાસ કરી રહ્યા છીએ. મહિલાનું સ્‍કૂટર અને મોબાઇલ શોધવાની કોશિશ પણ ચાલી રહી છે.

(10:02 AM IST)