<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

કોરોનાની જેમ ઉર્જા સંકટ- વૈશ્વિક પડકારોમાંથી પણ દેશવાસીઓ એકતા- અતુટ તાકાતથી સુરક્ષીત બહાર આવશેઃ નરેન્‍દ્રભાઇ

વિશ્વમાં પેટ્રોલ-ડીઝલના તોળાતા સંકટ વચ્‍ચે ‘મન કી બાત'માં પીએમ મોદીની અપીલઃ આપણે એક થઇને પડકારોનો સામનો કરીશુ દેશની સંસ્‍કૃતિ- વારસાની જાળવણી માટે પ્રાચીન હસ્‍તપ્રતોની માહિતિ જ્ઞાન ભારતમ એપ પર શેર કરવા જણાવ્‍યુ


 

નવી દિલ્‍હી તા.૩૦: વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગઇકાલે રવિવારે આકાશવાણી પર પ્રસારિત ‘‘મન કી બાત'' કાર્યક્રમના ૧૩૨મા એપિસોડ દ્વારા દેશ અને દુનિયામાં વસતા ભારતીયોને સંબોધિત કર્યા હતા. મધ્‍ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે દુનિયાભરમાં ઊભા થયેલા પેટ્રોલ અને ડીઝલના સંકટ અંગે ચિંતા વ્‍યક્‍ત કરતાં પીએમ મોદીએ દેશવાસીઓને એકજૂટ રહીને આ પડકારનો સામનો કરવા અપીલ કરી હતી. સાથે જ, દેશના હિતમાં સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહીને માત્ર સરકારની સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ મૂકવા પર વિશેષ ભાર મૂકયો હતો.

પીએમ મોદીના ડિજિટલ પ્‍લેટફોર્મ પર પ્રસારિત થયેલા વીડિયો પ્રવચનમાંથી પ્રાપ્ત થતી સત્તાવાર વિગતો અનુસાર, વડાપ્રધાને વૈશ્વિક અશાંતિ અને તેની ભારત પર સંભવિત અસરો વિશે વિસ્‍તળત વાત કરી હતી. તાજેતરમાં અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્‍ચે ચાલી રહેલા સંઘર્ષની ગંભીર નોંધ લેતા તેમણે સ્‍પષ્ટ કર્યું હતું કે, ભારત આ મુશ્‍કેલ પરિસ્‍થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.

નરેન્‍દ્રભાઇએ જણાવ્‍યું હતું કે જે વિસ્‍તારમાં હાલ ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, તે વિશ્વની ઊર્જા જરૂરિયાતોનું મુખ્‍ય કેન્‍દ્ર છે. આ સંઘર્ષના કારણે વિશ્વભરમાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠા પર મોટી અસર પડી રહી છે અને એક વૈશ્વિક સંકટ ઊભું થઈ રહ્યું છે. વડાપ્રધાને ખાતરી આપી કે છેલ્લા એક દાયકામાં ભારતે જે આંતરિક તાકાત અને મજબૂત વૈશ્વિક સંબંધો કેળવ્‍યા છે, તેના આધારે આપણે આ પડકારો સામે મક્કમતાથી ઊભા છીએ અને અડગ રહીશું.

સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતી અંગે લાલ બત્તી ધરતા નરેન્‍દ્રભાઇએ કહ્યું કે, અફવાઓ ફેલાવવી એ દેશ માટે અત્‍યંત નુકસાનકારક છે. અફવાઓને કારણે નાગરિકોની સમસ્‍યાઓ વકરે છે અને સ્‍થિતિ વિપરીત બને છે. નાગરિકોએ માત્ર સરકાર દ્વારા અપાતી સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખવો જોઈએ. આ ગંભીર મુદ્દા પર સ્‍વાર્થની રાજનીતિ કરનારાઓને આડે હાથ લેતા પીએમએ કહ્યું કે આ ૧૪૦ કરોડ ભારતીયોના હિતનો વિષય છે, તેમાં રાજકારણને કોઈ સ્‍થાન નથી. આપણે સૌએ એક થઈને આમાંથી બહાર આવવાનું છે.

યુદ્ધગ્રસ્‍ત વિસ્‍તારોની આસપાસના ખાડી દેશોમાં એક કરોડથી વધુ ભારતીયો વસવાટ કરે છે. વડાપ્રધાને આ દેશોની સરકારોનો હૃદયપૂર્વક આભાર માન્‍યો કે તેઓ આ કપરા સમયમાં ભારતીય નાગરિકોને તમામ પ્રકારની સુરક્ષા અને મદદ પૂરી પાડી રહ્યા છે.

દેશની સંસ્‍કળતિ અને વારસાની જાળવણી માટે પીએમ મોદીએ ‘‘જ્ઞાન ભારતમ એપ'' નો વિશેષ ઉલ્લેખ કર્યો અને લોકોને દેશભરમાં રહેલી પ્રાચીન હસ્‍તપ્રતોની માહિતી આ એપ પર શેર કરવા અપીલ કરી. ઉપરાંત ટી૨૦ વર્લ્‍ડકપમાં ભારતની શાનદાર જીત અને જમ્‍મુ-કાશ્‍મીરની ઐતિહાસિક રણજી ટ્રોફી જીતનો ઉલ્લેખ કરી તેમણે યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કર્યા. ‘‘માય ઇન્‍ડિયા'' સંગઠન દ્વારા યુવાનોની સકારાત્‍મક ભાગીદારીને બિરદાવી.

આગામી આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસને ધ્‍યાનમાં રાખીને તેમણે નાગરિકોને ફિટનેસ પર ધ્‍યાન આપવા અને જીવનશૈલી સંબંધિત રોગોથી બચવા ખાંડ અને તેલનો વપરાશ ઘટાડવા સલાહ આપી.

અંતમાં, વડાપ્રધાને દ્રઢ આત્‍મવિશ્વાસ વ્‍યક્‍ત કર્યો કે ભૂતકાળમાં કોરોના જેવા વૈશ્વિક સંકટને જેમ દેશે એક થઈને હરાવ્‍યું હતું, બરાબર તેવી જ રીતે આ ઊર્જા સંકટ અને વૈશ્વિક પડકારોમાંથી પણ ૧૪૦ કરોડ દેશવાસીઓ પોતાની એકતા અને અતૂટ તાકાતથી સુરક્ષિત રીતે બહાર આવશે

(12:00 PM IST)