<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

દિલ્‍હીમાં લશ્‍કરના ‘માસ્‍ટરમાઇન્‍ડ'ની ધરપકડઃ લાલ કિલ્લા પર હુમલાનું ISIનું મોટું કાવતરુ નિષ્‍ફળ

નકલી દસ્‍તાવેજો અને એન્‍ક્રિપ્‍ટેડ એપ્‍સ દ્વારા આચરવામાં આવતું હતું આખું ઓપરેશન : બાંગ્‍લાદેશમાં બેસીને ભારતમાં આતંકી નેટવર્ક ચલાવનાર શબ્‍બીર અહેમદ લોન આખરે દિલ્‍હી પોલીસના સકંજામાં

નવી દિલ્‍હી, તા.૩૦: દિલ્‍હી પોલીસની સ્‍પેશિયલ ટીમે એક અત્‍યંત મહત્‍વના ઓપરેશનમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્‍કર-એ-તૈયબાના ખતરનાક આતંકી શબ્‍બીર અહેમદ લોનની ધરપકડ કરીને દેશની રાજધાનીને ધ્રુજાવવાના પાકિસ્‍તાની મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. તપાસમાં બહાર આવ્‍યું છે કે શબ્‍બીર માત્ર એક આતંકી નથી, પરંતુ તે પાકિસ્‍તાની ગુપ્તચર એજન્‍સી ISI ના ઈશારે ચાલતા મેટ્રો પોસ્‍ટર કેસ અને સ્‍લીપર સેલ મોડ્‍યુલનો મુખ્‍ય હેન્‍ડલર હતો. બાંગ્‍લાદેશમાં આશરો લઈને તે ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્‍લાદેશી નાગરિકોને આતંકવાદના રસ્‍તે વાળતો હતો અને તેમને નકલી આધાર કાર્ડ જેવા ભારતીય ઓળખ દસ્‍તાવેજો અપાવી સુરક્ષિત આશ્રય પૂરો પાડતો હતો. આ નેટવર્ક લાલ કિલ્લા જેવા સંવેદનશીલ સ્‍થળોને નિશાન બનાવીને ભારતમાં મોટા પાયે રક્‍તપાત કરવાની અંતિમ તૈયારીમાં હતું.

શબ્‍બીર અહેમદ લોનનો ગુનાહિત ઇતિહાસ જોતા તે અત્‍યંત રીઢો અને તાલીમબદ્ધ આતંકી સાબિત થયો છે. મૂળ શ્રીનગરના કંગન વિસ્‍તારનો રહેવાસી શબ્‍બીર ૨૦૦૭ માં પણ AK-47 રાઇફલ્‍સ અને ગ્રેનેડના જથ્‍થા સાથે દિલ્‍હીમાં ઝડપાયો હતો. તેણે પાકિસ્‍તાનના મુઝફ્‌ફરાબાદમાં લશ્‍કરના કેમ્‍પમાં દૌરા-એ-આમ અને દૌરા-એ-ખાસ જેવી ઘાતક તાલીમ લીધેલી છે. વર્ષ ૨૦૧૮ માં જેલમાંથી જામીન પર છૂટયા બાદ તે ચાલાકીથી સરહદ ઓળંગી બાંગ્‍લાદેશ ભાગી ગયો હતો. ત્‍યાંથી તેણે હાફિઝ સઈદ અને ઝકી-ઉર-રહેમાન લખવી જેવા આતંકી આકાઓના સીધા સંપર્કમાં રહીને ભારત વિરોધી પ્રવળત્તિઓ ફરી શરૂ કરી હતી. એન્‍ક્રિપ્‍ટેડ સોફ્‌ટવેર દ્વારા વાતચીત કરીને તે ભારતમાં રિકોનિસન્‍સ મિશન (સ્‍થળોની રેકી) પણ ચલાવી રહ્યો હતો.

ફેબ્રુઆરી ૨૦૨૬ માં દિલ્‍હી પોલીસે જ્‍યારે આઠ આતંકીઓની ધરપકડ કરી, ત્‍યારે આ આખા નેટવર્કનો દોરીસંચાર શબ્‍બીરના હાથમાં હોવાનું ખુલ્‍યું હતું. ધરપકડ કરાયેલા સાત બાંગ્‍લાદેશી નાગરિકો પાસેથી મળેલી વિગતોના આધારે પોલીસે શબ્‍બીર સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. આ મોડ્‍યુલને ISI તરફથી મોટા પાયે ફંડિંગ મળતું હતું અને તેમનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય ભારતના મેટ્રો શહેરોમાં દહેશત ફેલાવવાનો હતો. પોલીસની આ સમયસરની કાર્યવાહીથી એક ભયાનક આતંકી હુમલો ટળી ગયો છે, જે જો સફળ રહ્યો હોત તો દેશની સુરક્ષા વ્‍યવસ્‍થા સામે મોટો પડકાર ઉભો કરી શકયો હોત. હાલમાં સુરક્ષા એજન્‍સીઓ શબ્‍બીરની કડક પૂછપરછ કરી રહી છે જેથી તેના અન્‍ય સ્‍લીપર સેલ્‍સનો પર્દાફાશ કરી શકાય. 

(2:26 PM IST)