<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

શેરબજારમાં બ્લેક મન્ડે : સેન્સેક્સમાં ૧૬૦૦ પોઈન્ટનો પ્રચંડ કડાકો અને નિફ્ટી ૨૨૪૦૦ની સપાટી તોડી નીચે સરકતા રોકાણકારોમાં ભારે ફફડાટ

મધ્ય પૂર્વમાં યુદ્ધના તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલ ૧૧૫ ડોલરે પહોંચતા અને RBIના બેન્કિંગ નિયમો કડક થતા બજારમાં ચોતરફ વેચવાલી : ઓટો, બેન્ક અને રિયલ્ટી સેક્ટરમાં ૪% સુધીના ગાબડા સાથે રોકાણકારોની સંપત્તિનું ધોવાણ

મુંબઈ: ભારતીય શેરબજાર માટે અઠવાડિયાનો પ્રથમ દિવસ જ અમંગળ સાબિત થયો છે. સોમવારે બજાર ખુલતાની સાથે જ શરૂ થયેલી વેચવાલી અંતે રક્તપાતમાં ફેરવાઈ હતી. વૈશ્વિક નકારાત્મક સંકેતો અને સ્થાનિક નીતિગત ફેરફારોને કારણે સેન્સેક્સ ૧,૬૦૦ પોઈન્ટના તોતિંગ ઘટાડા સાથે ૭૧,૯૪૭ની સપાટીએ બંધ રહ્યો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી પણ ૨૨,૪૦૦ના મહત્વના સપોર્ટ લેવલને તોડીને ૨૨,૩૩૧ પર આવી ગયો છે. બજારના આ મોટા ઘટાડાથી નાના અને મોટા તમામ રોકાણકારોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

RBIના કડક વલણથી બેન્કિંગ શેરોમાં ધોવાણ:
બજારમાં આજના ઘટાડાનું મુખ્ય કારણ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા લેવાયેલો એક મહત્વનો નિર્ણય માનવામાં આવે છે. RBIએ બેન્કોના વિદેશી હૂંડિયામણના રોકાણ પરના નિયંત્રણો વધુ કડક કર્યા છે. આ નવા નિયમોને કારણે બેન્કોએ પોતાની પોઝિશન ઘટાડવાની ફરજ પડી શકે તેમ હોવાથી બેન્કિંગ ક્ષેત્રના શેરોમાં ભારે દબાણ જોવા મળ્યું હતું. ખાસ કરીને એક્સિસ બેન્ક, એસબીઆઈ (SBI) અને શ્રીરામ ફાઇનાન્સ જેવા શેરોમાં મોટી વેચવાલી નોંધાઈ હતી.

ક્રૂડ ઓઈલના ભડકાએ ફુગાવાની ચિંતા વધારી:
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલો અચાનક વધારો પણ શેરબજાર માટે વિલન સાબિત થયો છે. પશ્ચિમ એશિયામાં વધતા ભૌગોલિક-રાજકીય તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને કારણે સપ્લાય ચેઈન ખોરવાવાની ભીતિ વચ્ચે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ ૧૧૫ ડોલરની સપાટીએ પહોંચી ગયું છે. તેલના વધતા ભાવ સીધી રીતે ફુગાવાને અસર કરતા હોવાથી રોકાણકારોએ જોખમ લેવાનું ટાળ્યું હતું અને પ્રોફિટ બુકિંગ પર ભાર મૂક્યો હતો.

તમામ સેક્ટરમાં લાલચોળ નિશાન:
આજના કારોબારમાં લગભગ તમામ સેક્ટર ઘટાડા સાથે બંધ થયા હતા. ઓટો, એફએમસીજી, રિયલ્ટી, ટેલિકોમ અને કેપિટલ ગુડ્સ જેવા ક્ષેત્રોમાં ૨% થી લઈને ૪% સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. લાર્જ-કેપની સાથે મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ ગાબડા પડતા રોકાણકારોની મડીનું મોટા પાયે ધોવાણ થયું છે. જોકે, આ ઘટાડા વચ્ચે પણ હિન્ડાલ્કો, કોલ ઇન્ડિયા અને ઓએનજીસી (ONGC) જેવા ગણ્યાગાંઠ્યા શેરોમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો.

નિષ્ણાતોનો મત - સાવચેતી જરૂરી
બજારના જાણકારોના મતે, હાલમાં વૈશ્વિક અનિશ્ચિતતા અને તેલના વધતા ભાવ બજારની દિશા નક્કી કરી રહ્યા છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી બજારમાં ઉતાર-ચઢાવ ચાલુ રહેવાની શક્યતા છે. આ સંજોગોમાં રોકાણકારોને કોઈ પણ ઉતાવળિયા નિર્ણય લેવાને બદલે સાવચેતીપૂર્વક આગળ વધવાની અને નિષ્ણાતોની સલાહ લેવાની સૂચના આપવામાં આવી છે.

(4:37 PM IST)