હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેનેડા જવું હવે બનશે વધુ મોંઘું: PR અને નાગરિકતા ફીમાં ઝીંકાયો વધારો, એક્સપ્રેસ એન્ટ્રીથી લઈને ફેમિલી સ્પોન્સરશિપ સુધી બધું જ થશે કોસ્ટલી
31 માર્ચ અને 30 એપ્રિલથી અમલમાં આવશે નવું ફી માળખું; સમયમર્યાદા પહેલા ઓનલાઇન અરજી કરનારાઓને મળશે રાહ, જાણો તમારા ખિસ્સા પર કેટલી પડશે અસર.

ઓટ્ટાવા, તા.30: કેનેડા સ્થાયી થવાનું સપનું જોઈ રહેલા ભારતીયો સહિતના તમામ વિદેશી નાગરિકો માટે એક મહત્વના સમાચાર છે. કેનેડા સરકાર આગામી 31 માર્ચ અને 30 એપ્રિલ, 2026 થી કાયમી રહેઠાણ (PR) અને નાગરિકતા મેળવવા માટેની અરજી ફીમાં વધારો કરવા જઈ રહી છે. મોંઘવારી અને વહીવટી ખર્ચને ધ્યાનમાં રાખીને આ ફીમાં સુધારો કરવામાં આવ્યો છે, જેની અસર લગભગ તમામ ઇમિગ્રેશન શ્રેણીઓ પર પડશે.
કોને કેટલી વધુ ફી ચૂકવવી પડશે?
નવા ફેરફાર મુજબ, એક્સપ્રેસ એન્ટ્રી અને પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ (PNP) જેવા લોકપ્રિય પ્રોગ્રામ્સમાં મુખ્ય અરજદારો અને તેમના જીવનસાથી માટેની પ્રોસેસિંગ ફી $950 થી વધીને $990 (આશરે ₹61,000) થઈ જશે. આ ઉપરાંત:
• PR રાઈટ ફી: $575 થી વધીને $600 થશે.
• બિઝનેસ ઇમિગ્રેશન: મુખ્ય અરજદાર માટેની ફી $1,810 થી વધીને $1,895 થશે.
• ફેમિલી સ્પોન્સરશિપ: સ્પોન્સરશિપ ફી $85 થી વધીને $90 અને મુખ્ય અરજદારની ફી $570 થશે.
• નાગરિકતા ફી: 31 માર્ચથી નાગરિકતા અધિકાર ફી $119.75 થી વધીને $123 થશે.
ઓનલાઇન અરજદારો માટે રાહતના સમાચાર
જે મુસાફરો અથવા અરજદારોએ નક્કી કરેલી સમયમર્યાદા પહેલા પોતાની અરજી ઓનલાઇન સબમિટ કરી દીધી છે અને જૂના દરે પેમેન્ટ કરી દીધું છે, તેમને આ વધારાની રકમ ચૂકવવી પડશે નહીં. જોકે, જે લોકોએ કાગળ પર (Paper application) અરજી મોકલી છે અને તેની પ્રક્રિયામાં વિલંબ થયો હોય, તો તેમને તફાવતની રકમ ચૂકવવી પડી શકે છે.
સમયસર પેમેન્ટ છે જરૂરી
એક ખાસ નોંધવા જેવી બાબત એ છે કે જો તમે PR માટે પહેલા અરજી કરી હોય પરંતુ 'રાઈટ ઓફ પરમેનન્ટ રેસિડન્સ ફી' (RPRF) ચૂકવવામાં વિલંબ કર્યો હોય, તો તમારે જૂના દર નહીં પણ $600નો નવો દર જ ચૂકવવો પડશે. કારણ કે આ ફી તમારી અરજીની તારીખ પર નહીં, પણ તમે જે દિવસે પેમેન્ટ કરો છો તે દિવસના દર પર આધારિત હોય છે.
તફાવત કેવી રીતે ચૂકવવો?
જો તમે અડધી ફી ચૂકવી હોય અથવા જૂના દરે પેમેન્ટ કર્યું હોય અને હવે નવો દર લાગુ પડતો હોય, તો તમારે સત્તાવાર પેમેન્ટ સિસ્ટમ દ્વારા બાકીની રકમનો તફાવત ચૂકવીને તેની રસીદ ઇમિગ્રેશન વિભાગને મોકલવાની રહેશે. કેનેડા સરકારના આ પગલાથી આગામી સમયમાં ઇમિગ્રેશન પ્રક્રિયા થોડી વધુ ખર્ચાળ સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
