હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાતી મૂળની દીકરી રેશ્મા સવજાણીનો અમેરિકામાં વધુ એક ડંકો: પ્રતિષ્ઠિત ઓલિન કોલેજના દીક્ષાંત સમારોહમાં આપશે મુખ્ય પ્રવચન
'ટાઇમ વુમન ઓફ ધ યર 2026' રેશ્મા સવજાણી એન્જિનિયરિંગના સ્નાતકોને આપશે સફળતાના મંત્રો; જેમના TED ટોકને 5.4 કરોડ લોકોએ નિહાળ્યો છે, તેવા રેશ્મા હવે ઓલિન કોલેજમાં ગજવશે સ્ટેજ

મેસેચ્યુસેટ્સ, તા.30: અમેરિકામાં મહિલા સશક્તિકરણ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં જેનું નામ આદર સાથે લેવાય છે, તેવા ગુજરાતી મૂળના રેશ્મા સવજાણીને વધુ એક મોટું સન્માન મળ્યું છે. રેશ્મા સવજાણી ૧૫ મેના રોજ અમેરિકાની પ્રતિષ્ઠિત 'ઓલિન કોલેજ ઓફ એન્જિનિયરિંગ' ના ૨૧મા સ્નાતક વર્ગના દીક્ષાંત સમારોહ (Commencement Speech) માં મુખ્ય વક્તા તરીકે સંબોધન કરશે. રેશ્મા માત્ર એક સફળ ઉદ્યોગસાહસિક જ નહીં, પરંતુ એક ધારદાર વક્તા અને લેખિકા તરીકે પણ વિશ્વભરમાં જાણીતા છે.
શિકાગોથી હાર્વર્ડ અને યેલ સુધીની સફર
રેશ્મા સવજાણીના માતા-પિતા મૂળ ગુજરાતી છે, જેમને ઇદી અમીનના શાસન દરમિયાન યુગાન્ડામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. શિકાગોમાં જન્મેલા રેશ્માએ હાર્વર્ડ કેનેડી સ્કૂલ અને યેલ લો સ્કૂલ જેવી દુનિયાની શ્રેષ્ઠ સંસ્થાઓમાંથી ડિગ્રી મેળવી છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત વકીલાત અને ફાઇનાન્સથી કરી હતી, પરંતુ તેમનું લક્ષ્ય હંમેશા સામાજિક પરિવર્તન રહ્યું છે.
'ગર્લ્સ હૂ કોડ' દ્વારા ક્રાંતિ
વર્ષ ૨૦૧૨માં રેશ્માએ 'ગર્લ્સ હૂ કોડ' (Girls Who Code) નામની બિનનફાકારક સંસ્થાની સ્થાપના કરી હતી. આ સંસ્થાનો મુખ્ય હેતુ ટેકનોલોજી અને કોમ્પ્યુટર સાયન્સના ક્ષેત્રમાં છોકરીઓની ભાગીદારી વધારવાનો છે. આજે આ સંસ્થા અમેરિકામાં STEM શિક્ષણ (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) માં લિંગ ભેદ દૂર કરવા માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ બની ગઈ છે.
TED ટોકના સુપરસ્ટાર અને લેખિકા
રેશ્મા સવજાણીના ભાષણો ઇન્ટરનેટ પર ધૂમ મચાવે છે. તેમના વિખ્યાત TED ટોક "Teach girls bravery, not perfection" (છોકરીઓને પૂર્ણતા નહીં, પણ બહાદુરી શીખવો) ને અત્યાર સુધીમાં ૫.૪ કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ ઉપરાંત, ઈમ્પોસ્ટર સિન્ડ્રોમ પરના તેમના ભાષણને પણ ૧.૮ કરોડ લોકોએ નિહાળ્યું છે. તેઓ ન્યૂ યોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખિકા પણ છે, જેમણે 'બ્રેવ નોટ પરફેક્ટ' જેવા પ્રેરણાદાયી પુસ્તકો લખ્યા છે.
TIME 'વુમન ઓફ ધ યર'નું સન્માન
તાજેતરમાં જ TIME મેગેઝિને રેશ્મા સવજાણીને '2026 વુમન ઓફ ધ યર' તરીકે નવાજ્યા છે. આ સન્માન તેમને ખાસ કરીને ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સારસંભાળ અને માતાઓના અધિકારો માટેની તેમની લડત 'મોમ્સ ફર્સ્ટ' (Moms First) માટે આપવામાં આવ્યું છે. ઓલિન કોલેજના વિદ્યાર્થીઓ માટે રેશ્માનું પ્રવચન જીવનમાં જોખમ લેવા અને બહાદુરી પૂર્વક આગળ વધવા માટે મોટી પ્રેરણા સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
