<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

ગેસ સિલિન્ડરની અછતમાંથી મળશે મુક્તિ: કેન્દ્ર સરકાર લાવશે 5 કિલોનું નાનું LPG સિલિન્ડર; આધાર કાર્ડ બતાવો અને તરત જ કનેક્શન મેળવો

વિદ્યાર્થીઓ અને સ્થળાંતરિત કામદારો માટે ગેસ લેવો હવે બનશે સાવ સરળ; કાળાબજાર રોકવા માટે QR કોડ અને KYC ના નવા નિયમો સાથે સરકારની મોટી તૈયારી

નવી દિલ્હી : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૌગોલિક તણાવને કારણે જ્યારે દેશમાં LPG ગેસના પુરવઠા પર દબાણ વધી રહ્યું છે, ત્યારે કેન્દ્ર સરકારે સામાન્ય માણસના રસોડાને રાહત આપવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. પેટ્રોલિયમ મંત્રાલય ટૂંક સમયમાં ૫ કિલોના નાના LPG સિલિન્ડર માટે નવા નિયમો જાહેર કરવા જઈ રહ્યું છે. આ યોજના ખાસ કરીને એવા લોકો માટે વરદાન સાબિત થશે જેઓ અભ્યાસ કે નોકરી અર્થે બીજા શહેરોમાં રહે છે અને જેમની પાસે કાયમી ગેસ કનેક્શન નથી.
આધાર કાર્ડ જ તમારું ઓળખપત્ર
નવી યોજના મુજબ, હવે ગેસ કનેક્શન લેવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે. ગ્રાહકો ફક્ત પોતાનું આધાર કાર્ડ બતાવીને ગેસ એજન્સી પરથી સીધું જ ૫ કિલોનું સિલિન્ડર ખરીદી શકશે. જોકે, ગેસની સંગ્રહખોરી અને ગેરકાયદેસર વેચાણ રોકવા માટે સરકાર 'આધાર KYC' ફરજિયાત કરી શકે છે. દરેક સિલિન્ડર પર QR કોડ અથવા યુનિક ID લગાવવામાં આવશે, જેનાથી ડિજિટલ ટ્રેકિંગ થઈ શકશે.
ભાવમાં મોટો ઘટાડો: ગજવા પરનો બોજ હળવો થશે
હાલમાં ખુલ્લા બજારમાં નાના સિલિન્ડરના નામે પ્રતિ કિલો ₹૨૦૦ થી ₹૨૫૦ વસૂલવામાં આવે છે, જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે ખૂબ મોંઘા પડે છે. સરકાર આ નાના સિલિન્ડરની કિંમત આશરે ₹૧૦૦ પ્રતિ કિલો નક્કી કરવાનું વિચારી રહી છે. આ નિર્ણયથી દિલ્હી જેવા મહાનગરોમાં રહેતા લાખો લોકોને સીધો ફાયદો થશે જેઓ અત્યાર સુધી કાળાબજારમાં મોંઘા ભાવે ગેસ ખરીદવા મજબૂર હતા.
સુરક્ષા અને ગુણવત્તાની ખાતરી
બજારમાં મળતા લોકલ નાના સિલિન્ડરોમાં ઘણીવાર અકસ્માતનો ભય રહેતો હોય છે. પરંતુ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવનાર આ સિલિન્ડરો સીધા LPG કંપનીઓ દ્વારા રિફિલ કરવામાં આવશે, જેની ટાંકી મજબૂત અને સંપૂર્ણ સુરક્ષિત હશે. આ સાથે જ, શેરી-મહોલ્લાઓમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના ધંધા સામે પણ સરકાર કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.
કોને થશે સૌથી વધુ ફાયદો?
આ યોજનાનો સૌથી મોટો લાભ અન્ય શહેરોમાં છાત્રાલયો કે ભાડાના રૂમમાં રહેતા વિદ્યાર્થીઓને અને રોજગાર માટે સ્થળાંતર કરતા કામદારોને મળશે. આ ઉપરાંત, જે લોકો નિયમિત ૧૪.૨ કિલોનું મોટું સિલિન્ડર ખરીદવા સક્ષમ નથી અથવા જેમને ગેસનો વપરાશ ઓછો છે, તેમના માટે આ ૫ કિલોનું સિલિન્ડર શ્રેષ્ઠ વિકલ્પ બનશે. સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ માટે આ સિલિન્ડરના ઉપયોગ અંગે સરકાર ટૂંક સમયમાં વધુ સ્પષ્ટતા કરશે.

(7:11 PM IST)