<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

પુત્રવધૂ પર સાસરિયાઓના ભરણપોષણની જવાબદારી નહીં: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

નૈતિકતા અને કાયદા વચ્ચેની રેખા સ્પષ્ટ કરતા હાઈકોર્ટે સાસુ-સસરાની અરજી ફગાવી: સીઆરપીસીની કલમ 125 હેઠળ પુત્રવધૂને નાણાકીય સહાય માટે કાયદેસર રીતે બાધ્ય ગણી શકાય નહીં : કાયદામાં સાસરિયાઓનો ભરણપોષણની શ્રેણીમાં સમાવેશ નથી

પ્રયાગરાજ:  અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ કાનૂની વિવાદનો અંત લાવતા સ્પષ્ટ કર્યું છે કે પુત્રવધૂ તેના સાસરિયાઓને ભરણપોષણ ચૂકવવા માટે કાયદેસર રીતે બંધાયેલી નથી. ન્યાયાધીશ મદન પાલ સિંહની સિંગલ બેન્ચે અવલોકન કર્યું કે ભલે સામાજિક કે નૈતિક દૃષ્ટિકોણ ગમે તે હોય, પરંતુ જ્યાં સુધી કાયદાકીય જોગવાઈ ન હોય ત્યાં સુધી તેને ફરજિયાત લાગુ કરી શકાય નહીં. અદાલતે ભારપૂર્વક જણાવ્યું કે ફોજદારી કાર્યવાહી સંહિતા (CrPC) ની કલમ 125 હેઠળ જે વ્યક્તિઓની શ્રેણી નક્કી કરવામાં આવી છે, તેમાં ધારાસભાએ જાણી જોઈને સાસરિયાઓનો સમાવેશ કર્યો નથી.

 આ મામલો આગ્રાની ફેમિલી કોર્ટમાંથી હાઈકોર્ટ પહોંચ્યો હતો. અરજદાર રાકેશ કુમારના પુત્ર પ્રવેશ કુમારનું 2021માં અવસાન થયું હતું. તેમની પત્ની (પુત્રવધૂ) ઉત્તર પ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે કાર્યરત છે. પુત્રના મૃત્યુ બાદ સાસુ-સસરાએ પુત્રવધૂ પાસેથી ભરણપોષણની માંગણી કરી હતી. જોકે, કોર્ટે નોંધ્યું કે પુત્રવધૂની નોકરી અનુકંપાના આધારે  નહોતી અને મિલકતના વારસા જેવા મુદ્દાઓ ભરણપોષણની કલમ 125 હેઠળ આવરી શકાતા નથી. આથી, ફેમિલી કોર્ટના અગાઉના નિર્ણયને યોગ્ય ઠેરવી હાઈકોર્ટે સાસરિયાઓની અરજી ફગાવી દીધી હતી.

આ ચુકાદો ભારતીય કૌટુંબિક કાયદાના સંદર્ભમાં અત્યંત મહત્વનો માનવામાં આવે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભરણપોષણ મેળવવો એ એક 'વૈધાનિક અધિકાર' છે જે માત્ર કાયદામાં નિર્દિષ્ટ સંબંધો (જેમ કે પત્ની, બાળકો અને માતા-પિતા) પૂરતો જ મર્યાદિત છે. આ ચુકાદાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે વિધવા પુત્રવધૂ તેની કમાણી કે પિતૃક મિલકતમાંથી સાસરિયાઓને ભરણપોષણ આપવા કાયદાકીય રીતે લાચાર નથી. આ ચુકાદો આવનારા સમયમાં સમાન પ્રકારના પારિવારિક વિવાદોમાં એક માર્ગદર્શક મિસાલ  તરીકે કામ કરશે.

(8:14 PM IST)