<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

રાહુલ ગાંધીનો કેરળમાં પ્રચંડ પ્રહાર: "મોદીના રિમોટ કંટ્રોલથી ચાલે છે પિનરાઈ વિજયન : ભાજપ-LDF વચ્ચે ગુપ્ત સોદો"

પઠાણમથિટ્ટાની રેલીમાં રાહુલ ગાંધીએ ડાબેરી સરકારને 'કોર્પોરેટ-ફંડેડ' ગણાવી: સબરીમાલા મંદિરના સોના ચોરી કેસમાં પીએમ મોદીના મૌન પર ઉઠાવ્યા સવાલ : UDF ના શાસનમાં મહિલાઓને મફત મુસાફરી અને વૃદ્ધોને ₹3,000 પેન્શનનું વચન

પઠાણમથિટ્ટા:  કેરળ વિધાનસભા ચૂંટણીના જંગમાં રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને ભાજપ વચ્ચેના ગુપ્ત ગઠબંધનનો ગંભીર આરોપ લગાવીને રાજકીય ગરમાવો વધારી દીધો છે. રાહુલે દાવો કર્યો કે ભાજપ તેમના વિરોધીઓ પર કેસ કરે છે, પરંતુ કેરળના મુખ્યમંત્રી સામે કોઈ કાર્યવાહી થતી નથી, જે સાબિત કરે છે કે વડાપ્રધાન મોદી તેમને નિયંત્રિત કરી રહ્યા છે. તેમણે LDF સરકારને સામ્યવાદી વિચારધારા છોડીને ભાજપની કઠપૂતળી અને કોર્પોરેટ હિતો રક્ષતી સરકાર ગણાવી છે.

પલક્કડમાં પીએમ મોદીની રેલીનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે વડાપ્રધાન સબરીમાલા મંદિરના સોના ચોરી કેસ પર કેમ મૌન છે. રાહુલે આક્ષેપ કર્યો કે LDF નેતાઓએ ભગવાન અયપ્પાના મંદિરમાંથી સોનું કાઢી તેની જગ્યાએ પિત્તળ લગાવી દીધું છે, છતાં કેન્દ્ર સરકાર ચૂપ છે. આ મૌન જ ભાજપ અને CPI(M) વચ્ચેની કથિત સાંઠગાંઠનો પુરાવો હોવાનું તેમણે જણાવ્યું હતું.

ચૂંટણી જીતવા માટે રાહુલ ગાંધીએ UDF ના માસ્ટરસ્ટ્રોક ગણાતા વચનો પર ભાર મૂક્યો છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગઠબંધને સત્તામાં આવતા જ મહિલાઓ માટે બસમાં મફત મુસાફરી અને વરિષ્ઠ નાગરિકો માટે માસિક ₹3,000 ની આર્થિક સહાયની ખાતરી આપી છે. 9 એપ્રિલે યોજાનારા મતદાન પૂર્વે રાહુલ ગાંધી મધ્ય કેરળમાં સતત રોડ શો અને સભાઓ કરીને 2021 ના LDF શાસનના વલણને ઉલટાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

(8:17 PM IST)