<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

ભારતીય આકાશમાં અકાસા એરની ઊંચી ઉડાન: ફ્લીટમાં વધુ બે શક્તિશાળી બોઇંગ 737 MAX વિમાનો સામેલ; એક જ વર્ષમાં ૩૫% ના ગ્રોથ સાથે નવો રેકોર્ડ સ્થાપ્યો

માત્ર સાડા ત્રણ વર્ષમાં ૨.૫ કરોડ મુસાફરોને સફર કરાવનારી સૌથી ઝડપી એરલાઇન બની; ૨૨૬ વિમાનોના મેગા ઓર્ડર સાથે વૈશ્વિક સ્તરે ટોપ-૩૦ માં સામેલ થવાનું લક્ષ્ય; મુસાફરોને મળશે હાઈ-ટેક USB પોર્ટ અને આરામદાયક બેઠકોની સુવિધા.

બેંગલુરુ : ભારતની સૌથી યુવાન અને ઝડપથી વિકસતી એરલાઇન અકાસા એર (Akasa Air) એ આકાશી સફરમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ તેના કાફલામાં વધુ બે અત્યાધુનિક બોઇંગ 737 MAX 8-200 એરક્રાફ્ટનો સમાવેશ કર્યો છે, જેની સાથે જ અકાસાના કુલ વિમાનોની સંખ્યા ૩૭ પર પહોંચી ગઈ છે. ૨૦૨૬ ના પ્રથમ ક્વાર્ટરમાં જ કંપનીએ છ નવા વિમાનોની ડિલિવરી મેળવીને વાર્ષિક ધોરણે ૩૫% ની અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાવી છે, જે ભારતીય ઉડ્ડયન ઉદ્યોગ માટે એક મોટો આંકડો છે.
સિએટલથી બેંગલુરુ સુધીની લાંબી સફર
'VT-YBJ' રજીસ્ટ્રેશન ધરાવતું ૩૬મું વિમાન અમેરિકાના સિએટલથી આઇસલેન્ડ અને ઇજિપ્તના કૈરો થઈને લાંબી મુસાફરી બાદ સોમવારે બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યું હતું. જ્યારે ૩૭મું વિમાન 'VT-YBI' પણ એપ્રિલના પ્રથમ અઠવાડિયા સુધીમાં ભારતીય સરહદમાં પ્રવેશે તેવી શક્યતા છે. આ નવા વિમાનોમાં મુસાફરોની સુવિધા માટે ખાસ 'Safran Z200' બેઠકો લગાવવામાં આવી છે, જે વધુ રિક્લાઇન અને આરામદાયક ગાદી ધરાવે છે. આધુનિક મુસાફરોને ધ્યાનમાં રાખીને દરેક સીટ પર USB-C અને USB-A ચાર્જિંગ પોર્ટની સુવિધા પણ આપવામાં આવી છે.
૨૦૩૦ સુધીમાં વિશ્વની ટોચની એરલાઇન્સમાં સ્થાન મેળવવાની નેમ
ઓગસ્ટ ૨૦૨૨ માં કામગીરી શરૂ કરનાર અકાસા એર અત્યારે ભારતની સૌથી ઝડપથી વિકસતી એરલાઇન તરીકે ઉભરી આવી છે. કંપનીએ અત્યાર સુધીમાં કુલ ૨૨૬ બોઇંગ જેટનો ઓર્ડર આપેલો છે, જેમાંથી ૧૮૯ વિમાનો આગામી છ વર્ષમાં ડિલિવરી માટે પાઇપલાઇનમાં છે. અકાસાએ તાજેતરમાં માત્ર ૩.૫ વર્ષના ટૂંકા ગાળામાં ૨.૫ કરોડ (૨૫ મિલિયન) મુસાફરોને સેવા પૂરી પાડીને રેકોર્ડ બનાવ્યો છે. દાયકાના અંત સુધીમાં વિશ્વની ટોચની ૩૦ એરલાઇન્સમાં સ્થાન મેળવવાના લક્ષ્ય સાથે અકાસા અત્યારે આક્રમક રીતે વિસ્તરણ કરી રહી છે.

(8:42 PM IST)