હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પરમાણુ પ્રલયની આશંકા: યુએન રાજદ્વારીનું રાજીનામું, શું તેહરાન પર થશે એટમ બોમ્બનો હુમલો?
મોહમ્મદ સફાએ 'પરમાણુ શિયાળો' રોકવા પદ ત્યાગ્યું : સંયુક્ત રાષ્ટ્ર પર ઈરાન વિરુદ્ધ પરમાણુ શસ્ત્રોના ઉપયોગની યોજના ઘડવાનો સનસનીખેજ આરોપ : 1 કરોડની વસ્તી ધરાવતા તેહરાન પર તોળાતું ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ

ન્યૂ યોર્ક: મધ્ય પૂર્વમાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના જાણીતા માનવ અધિકાર કાર્યકર્તા અને રાજદ્વારી મોહમ્મદ સફાએ ચોંકાવનારો દાવો કરીને પદ પરથી રાજીનામું આપી દીધું છે. સફાએ આરોપ લગાવ્યો છે કે યુએન ઈરાન વિરુદ્ધ પરમાણુ શસ્ત્રોના સંભવિત ઉપયોગની તૈયારી કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે તેઓ માનવતા વિરુદ્ધના આ ભયાનક ગુનાના સાક્ષી બનવા માંગતા નથી. આ ઘટસ્ફોટ બાદ વૈશ્વિક સ્તરે હડકંપ મચી ગયો છે, કારણ કે અત્યાર સુધી પરમાણુ હુમલાની વાત માત્ર અટકળો સુધી સીમિત હતી, પરંતુ એક કાર્યરત રાજદ્વારીના રાજીનામાએ તેને ગંભીર વળાંક આપ્યો છે.
મોહમ્મદ સફાએ તેહરાન શહેરની તસવીર શેર કરતા વિશ્વને ચેતવણી આપી છે કે આ કોઈ નિર્જન રણ નથી, પરંતુ 10 મિલિયન (1 કરોડ) લોકોનું ઘર છે. તેમણે ભાવુક અપીલ કરતા કહ્યું કે ત્યાં નિર્દોષ પરિવારો, બાળકો અને સપનાઓ ધરાવતા શ્રમજીવી લોકો રહે છે. જો તેહરાન પર પરમાણુ હુમલો થશે, તો તેની અસર વોશિંગ્ટન, પેરિસ કે લંડન પર થયેલા હુમલા સમાન જ ગણાશે. તેમણે આ માહિતી લીક કરવા માટે પોતાની કારકિર્દી દાવ પર લગાવી દીધી છે, જેથી વિશ્વ આ 'પરમાણુ શિયાળા'ની અસરોને સમજે અને વિનાશને રોકવા માટે રસ્તા પર ઉતરે.
આ ગંભીર આરોપો છતાં સંયુક્ત રાષ્ટ્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જો ઈરાન વિરુદ્ધ ખરેખર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ થાય છે, તો તે અનિવાર્યપણે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત હશે. સફાએ અમેરિકામાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોનો ઉલ્લેખ કરી લોકોને એકજૂથ થવા આહવાન કર્યું છે. હાલ આ આરોપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી, પરંતુ મધ્ય પૂર્વમાં જે રીતે સુરક્ષા સ્થિતિ બગડી રહી છે, તે જોતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચિંતા અને અસ્થિરતાનું વાતાવરણ સર્જાયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
