હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

નવી દિલ્હી : રાજધાની દિલ્હીના રાજકીય ગલિયારાઓમાં આજે OBC મુસ્લિમોના અનામતનો મુદ્દો જોરશોરથી ગાજ્યો છે. રાજ્યસભામાં ભાજપના સાંસદ કે. લક્ષ્મણ દ્વારા કોંગ્રેસ પર 'તુષ્ટિકરણ' અને 'વોટ બેંક' ની રાજનીતિના આક્ષેપો કર્યા બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મહાસચિવ જયરામ રમેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જ એક જૂના નિવેદનનો સહારો લઈને ભાજપને ભીંસમાં લીધી છે. રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો શેર કરીને ભાજપના સાંસદોને સંસદમાં બોલતા પહેલા "હોમવર્ક" કરવાની સલાહ આપી દીધી છે.
શું છે સમગ્ર વિવાદ?
વાસ્તવમાં, ભાજપના સાંસદ કે. લક્ષ્મણે ગૃહમાં આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ અને વિપક્ષી દળો મુસ્લિમોને OBC અનામત આપીને પછાત વર્ગોના હકો છીનવી રહ્યા છે. આ નિવેદનના જવાબમાં જયરામ રમેશે ૯ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ વડાપ્રધાન મોદીએ આપેલા ભાષણનો અંશ શેર કર્યો છે. આ વીડિયોમાં પીએમ મોદી પોતે સ્વીકારી રહ્યા છે કે ગુજરાતમાં પણ મુસ્લિમ સમુદાયની ૭૦ જેટલી જ્ઞાતિઓ OBC શ્રેણીમાં આવે છે અને તેમને અનામતનો લાભ મળે છે.
ગુજરાતના મોડેલથી ભાજપને ઘેરવાની રણનીતિ
જયરામ રમેશે કટાક્ષ કરતા લખ્યું કે, વડાપ્રધાને સંસદમાં કોઈ મુદ્દો ઉઠાવતા પહેલા પોતાના સાંસદોને વધુ સારું હોમવર્ક કરવાનું કહેવું જોઈએ. વીડિયોમાં પીએમ મોદીને એમ કહેતા સાંભળી શકાય છે કે, "જ્યારે હું ગુજરાતમાં હતો, ત્યારે મુસ્લિમ સમુદાયની ઘણી જ્ઞાતિઓને OBC કેટેગરી હેઠળ લાભ મળતા હતા, પરંતુ આ વાત ક્યારેય મીડિયામાં હાઈલાઈટ થઈ નથી." રમેશનો તર્ક છે કે જો ભાજપ શાસિત ગુજરાતમાં આ વ્યવસ્થા હતી, તો કોંગ્રેસ પર તુષ્ટિકરણના આરોપો કેમ?
ચૂંટણી પહેલા અનામતનો મુદ્દો ગરમાયો
આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા અનામત અને જ્ઞાતિ આધારિત રાજનીતિ ફરી એકવાર કેન્દ્રસ્થાને આવી છે. એકતરફ ભાજપ વિપક્ષને મુસ્લિમ તરફી સાબિત કરવા મથી રહ્યું છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ પીએમ મોદીના જ જૂના નિવેદનો રજૂ કરીને ભાજપના સાંસદોને નિરુત્તર કરી રહી છે. જયરામ રમેશનો આ વળતો પ્રહાર સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચાઈ રહ્યો છે અને તેનાથી ભાજપની રણનીતિ સામે સવાલો ઊભા થયા છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM