હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જેલમાં કેદીઓના ૧૪ વર્ષ પૂર્ણ થવા છતાં મુક્તિના નિર્ણયમાં વિલંબ બદલ સુપ્રીમ કોર્ટેની ગુજરાત સરકારને ફટકાર : ભવિષ્યમાં આદેશનું પાલન નહીં થાય તો કન્ટેમ્પ્ટની આપી ચેતવણી
કેદીઓની મુક્તિના અધિકારને રોકી ન શકાય, જો સમયમર્યાદામાં નિર્ણય નહીં લેવાય તો મુખ્ય સચિવ અને ગૃહ સચિવ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવાશે : જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠનો આદેશ

નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટે કેદીઓની વહેલી મુક્તિ (રેમિશન) ના અરજીઓનો નિર્ણય લેવામાં કરવામાં આવતા વિલંબ બદલ ગુજરાત સરકાર સામે લાલ આંખ કરી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો સરકાર પોતાની જ નીતિ હેઠળ નિર્ધારિત સમયમર્યાદામાં કેદીઓની મુક્તિ અંગે નિર્ણય લેવામાં નિષ્ફળ જશે, તો જવાબદાર અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટ એટલે કે અદાલતની અવમાનનાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
૧૪ વર્ષ પૂર્ણ થતાની સાથે જ નિર્ણય લેવો અનિવાર્ય:
જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બેંચે એક કેસની સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે ગુજરાત સરકારના ૯ જુલાઈ ૧૯૯૨ના પરિપત્ર મુજબ, કેદીના ૧૪ વર્ષના કારાવાસ પૂર્ણ થવાના ત્રણ મહિના પહેલા જ તેની વહેલી મુક્તિની પ્રક્રિયા શરૂ કરી દેવી જોઈએ. જે દિવસે કેદી ૧૪ વર્ષની સજા પૂર્ણ કરે, તે જ દિવસે તેની મુક્તિ અંગેનો અંતિમ આદેશ આવી જવો જોઈએ. કોર્ટે ઉમેર્યું કે વહેલી મુક્તિ એ કેદીનો મૂળભૂત અધિકાર નથી, પરંતુ એકવાર સરકારે નીતિ ઘડી દીધા પછી તે કેદીનો નિહિત (Vested) અધિકાર બની જાય છે. કાયદાકીય મુદત કરતા એક પણ દિવસ વધારે કેદીને જેલમાં રાખવો એ ગેરકાયદેસર કસ્ટડી સમાન છે.
સરકારનો બચાવ અસ્વીકાર્ય:
આ કેસમાં અરજદાર કેદીએ ૧૨ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં લઘુત્તમ સજા પૂર્ણ કરી લીધી હતી, તેમ છતાં ત્રણ મહિનાનો સમય આપ્યા બાદ પણ સરકારે કોઈ નિર્ણય લીધો ન હતો. ૧૬ માર્ચ ૨૦૨૬ના રોજ રાજ્ય સરકારે કોર્ટમાં બચાવ કર્યો હતો કે સક્ષમ સમિતિ વર્ષમાં માત્ર ચાર વાર જ મળે છે અને અરજદારનો કેસ પ્રક્રિયા હેઠળ છે. સુપ્રીમ કોર્ટે સરકારના આ વલણને "સંપૂર્ણપણે અસ્વીકાર્ય" ગણાવ્યું હતું.
૭ એપ્રિલ ૨૦૨૬ સુધીનું અલ્ટીમેટમ:
કોર્ટે આ કેસની આગામી સુનાવણી ૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ મુકરર કરી છે. જો તે તારીખ સુધીમાં અંતિમ નિર્ણય રેકોર્ડ પર મૂકવામાં નહીં આવે, તો ગુજરાતના મુખ્ય સચિવ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અથવા સચિવ અને જેલ મહાનિરીક્ષક (IG Prisons) ને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવા આદેશ અપાયો છે. આ અધિકારીઓએ કોર્ટને જવાબ આપવો પડશે કે તેમની સામે શા માટે શિક્ષાત્મક કાર્યવાહી શરૂ ન કરવી.
અમદાવાદની વર્ષ ૨૦૧૧ની હત્યાનો મામલો:
આ સમગ્ર વિવાદ અમદાવાદના એક કેદી સાથે જોડાયેલો છે, જેણે ૯ ડિસેમ્બર ૨૦૧૧ના રોજ પોતાની પત્ની પર હથોડાથી હુમલો કરી તેની હત્યા કરી હતી. ટ્રાયલ કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી, જેને ૨૦૨૩માં ગુજરાત હાઈકોર્ટે પણ માન્ય રાખી હતી. હાઈકોર્ટના ચુકાદા સમયે પણ આ કેદી ૧૧ વર્ષથી વધુ જેલ ભોગવી ચૂક્યો હતો.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે અગાઉ માર્ચ ૨૦૨૫માં દિલ્હીના ગૃહ સચિવ સામે પણ આવી જ બાબતે કન્ટેમ્પ્ટ નોટિસ જારી કરી હતી. ફેબ્રુઆરી ૨૦૨૫માં કોર્ટે તમામ રાજ્યોને આદેશ આપ્યો હતો કે કેદીઓ પાત્રતા ધરાવતા હોય તો ઔપચારિક અરજી વગર પણ વહેલી મુક્તિની વિચારણા કરવી જોઈએ, જેથી વહીવટી વિલંબને કારણે કોઈ વ્યક્તિએ જેલમાં રહેવું ન પડે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
