હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકી સૈન્ય વિમાનોને પોતાની એરસ્પેસનો ઉપયોગ કરવા દેશે નહીં: સ્પેનનો મોટો નિર્ણય
સ્પેને અમેરિકાને સાફ સંદેશ આપી દીધો છે કે તેમના સૈન્ય મથકો કે હવાઈ ક્ષેત્રનો ઉપયોગ આ સંઘર્ષ સંબંધિત કોઈ પણ પ્રવૃત્તિ માટે કરી શકાશે નહીં.

મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ અને ઈરાન સામેના સંઘર્ષ વચ્ચે સ્પેને એક અત્યંત કડક અને મહત્વપૂર્ણ વલણ અપનાવ્યું છે. સ્પેન સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકી સૈન્ય વિમાનોને પોતાની એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) નો ઉપયોગ કરવા દેશે નહીં. રક્ષા મંત્રી માર્ગરીટા રોબ્લેસે સોમવારે જાહેરાત કરી હતી કે સ્પેને અમેરિકાને સાફ સંદેશ આપી દીધો છે કે તેમના સૈન્ય મથકો કે હવાઈ ક્ષેત્રનો ઉપયોગ આ સંઘર્ષ સંબંધિત કોઈ પણ પ્રવૃત્તિ માટે કરી શકાશે નહીં.
સ્પેન શરૂઆતથી જ અમેરિકા અને ઈઝરાયેલની મધ્ય પૂર્વની નીતિઓનું પ્રખર ટીકાકાર રહ્યું છે. અગાઉ સ્પેને તેના પ્રખ્યાત 'રોતા' અને 'મોરોન' સૈન્ય મથકોનો ઉપયોગ ઈરાન વિરુદ્ધના ઓપરેશન માટે કરવાની મનાઈ ફરમાવી હતી. રક્ષા મંત્રીએ આ યુદ્ધને 'ગેરકાયદેસર અને અન્યાયી' ગણાવતા કહ્યું કે, આ કાર્યવાહી સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. સ્પેનનું માનવું છે કે તેના સૈન્ય મથકો તેની સાર્વભૌમત્વ હેઠળ છે અને તેનો ઉપયોગ માત્ર દ્વિપક્ષીય કરારો અને આંતરરાષ્ટ્રીય કાયદાની મર્યાદામાં જ થઈ શકે છે.
આ નિર્ણય બાદ અમેરિકાના લગભગ 15 સૈન્ય વિમાનો, જેમાં KC-135 ટેન્કર વિમાનોનો પણ સમાવેશ થાય છે, તેમને સ્પેનના દક્ષિણ ભાગમાંથી હટાવીને જર્મની કે અન્ય સ્થળોએ ખસેડવાની ફરજ પડી છે. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા મુજબ, આ વિમાનો ઈરાન પર હુમલો કરવા જઈ રહેલા વિમાનોમાં ઈંધણ ભરવાનું કામ કરી રહ્યા હતા.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પેન પર વ્યાપારી પ્રતિબંધો લાદવાની ધમકી આપી હોવા છતાં, વડાપ્રધાન પેડ્રો સાંચેઝની સરકાર પોતાના નિર્ણય પર અડગ છે. સાંચેઝે આ સંઘર્ષને 'ખતરનાક સૈન્ય હસ્તક્ષેપ' ગણાવ્યો છે. નાટો (NATO) સહયોગી હોવા છતાં સ્પેનનું આ પગલું યુરોપમાં અમેરિકાની ઈરાન નીતિ સામેનો સૌથી મજબૂત વિરોધ માનવામાં આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
