<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

કળિયુગી દીકરાઓએ પિતાને કુહાડીના ઘા ઝીંકી પતાવી દીધા

ઉત્તર પ્રદેશમાં જમીન વિવાદ અને લગ્ન ન થવાને કારણે નારાજ બે પુત્રોએ પોતાની માતા સાથે મળીને પિતાની કુહાડીથી કાપીને હત્‍યા કરી નાખી

કૌશામ્‍બી  તા.૩૧: ઉત્તર પ્રદેશથી એક હચમચાવી નાખે તેવો કિસ્‍સો સામે આવ્‍યો છે. કૌશામ્‍બી જિલ્‍લામાં લગ્ન માટે જમીન ન મળવાથી નારાજ કળિયુગી દીકરાઓએ પોતાની જ માતા સાથે મળીને પિતાની કુહાડીથી કાપીને નિર્મમ હત્‍યા કરી નાખી. હત્‍યા બાદ ત્રણેય આરોપીઓ ઘટનાસ્‍થળેથી ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસે ૨૪ કલાકની અંદર જ ઘટનાનો ખુલાસો કરીને બંને પુત્રો અને મૃતકની પત્‍નીની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા.

મળતી માહિતી મુજબ, આ ઘટના ૨૮ માર્ચના રોજ મહેવાઘાટ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના અજરોલી ગામની છે, જ્‍યાં રહેતા નથન સરોજ (ઉં.વ.૬૦)ની તેમના જ બે પુત્રો લવલેશ, ઝુરઈ અને પત્‍ની કલુટિયાએ મળીને કુહાડીના ઘા ઝીંકી નિર્મમ હત્‍યા કરી દીધી હતી. ઘટનાને અંજામ આપીને ત્રણેય આરોપીઓ સ્‍થળ પરથી ફરાર થઈ ગયા હતા. એસપી રાજેશ કુમારે આરોપીઓને પકડવા માટે ટીમ બનાવી હતી. આ દરમિયાન મહેવાઘાટ પોલીસે ૨૪ કલાકની અંદર આરોપી પુત્ર લવલેશ, ઝુરઈ અને પત્‍ની કલુટિયાને લૌગાવા નહેર પાસેથી ઝડપી પાડ્‍યા હતા. એસપી રાજેશ કુમારે ઘટનાનો ખુલાસો કરતા જણાવ્‍યું હતું કે, હત્‍યા કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં બે પુત્રો અને મૃતકની પત્‍નીનો સમાવેશ થાય છે.

પૂછપરછમાં સામે આવ્‍યું કે, મૃતક નથન સરોજને બે પત્‍નીઓ હતી. પહેલી પત્‍ની કલુટિયાના બે પુત્રો લવલેશ અને ઝુરઈ હતા અને બીજી પત્‍નીનું નામ સાવિત્રી હતું. મૃતકે ત્રણ-ચાર વર્ષ પહેલાં આશરે સવા વીઘા જમીન તેની બીજી પત્‍ની સાવિત્રીના નામે કરી દીધી હતી, જેનાથી પહેલી પત્‍ની નારાજ હતી. જે અઢી વીઘા જમીન બાકી હતી, નથન તેને પણ સાવિત્રીના નામે કરવા માગતો હતો. આ જ વાતથી નારાજ થઈને ત્રણેયે એકસંપ થઈને નથન સરોજ પર કુહાડી વડે પ્રહાર કરી તેની હત્‍યા કરી નાખી હતી.

પકડાયેલા આરોપી લવલેશના જણાવ્‍યા અનુસાર, તેની ઉંમર લગભગ ૩૦ વર્ષ હતી અને તેના નામે કોઈ જમીન ન હોવાને કારણે લગ્ન માટે જે પણ સંબંધો આવતા હતા તે તૂટી જતા હતા. આરોપી તેના પિતા નથન સરોજને વારંવાર કહેતો હતો કે જે જમીન બાકી છે તે તેના નામે કરી દે, પરંતુ તેઓ ન માન્‍યા, તેથી બંને પુત્રોએ મળીને પિતાની હત્‍યા કરી દીધી હતી

(10:04 AM IST)