<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

બિહારઃ નાલંદાના શીતળા માતાના મંદિરમાં નાસભાગ મચીઃ ૮ના મોત

મુખ્‍યમંત્રીએ શોક વ્‍યક્‍ત કરી પીડિત પરિવારોને રૂ.૬ લાખની આર્થિક સહાયની જાહેરાત કરીઃ ૧૨થી વધુને ઇજા

પટના, તા.૩૧: બિહારના નાલંદા જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ શીતલા માતાનું મંદિર ચીસાચીસ અને રૂદનથી ગુંજી ઉઠ્‍યું હતું. ચૈત્ર મહિનાના પવિત્ર છેલ્લા મંગળવારે માતાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ હજારો ભક્‍તોની લાઈનો લાગી હતી. જોકે, ક્ષમતા કરતા વધુ ભીડ એકઠી થવાને કારણે અને ભક્‍તોમાં વહેલા દર્શન કરવાની ઉતાવળ જાગતા કતારો તૂટી હતી. જોતજોતામાં સ્‍થિતિ એટલી હદે વણસી ગઈ કે લોકો એકબીજા પર પડવા લાગ્‍યા અને નાસભાગ મચી ગઈ, જેમાં કચડાવાને કારણે ૮ નિર્દોષ શ્રદ્ધાળુઓએ પોતાના જીવ ગુમાવ્‍યા છે.

બિહારના નાલંદા માટે અમંગળ સાબિત થઈ. બિહાર શરીફથી માત્ર ૨ કિમી દૂર આવેલા ઐતિહાસિક મગરા ગામના શીતલા માતા મંદિરમાં સાપ્તાહિક પૂજા માટે હજારોની મેદની ઉમટી પડી હતી. ભીડનું દબાણ વધતા અચાનક અફરાતફરી મચી ગઈ અને જોતજોતામાં શ્રદ્ધાળુઓ એકબીજા પર કચડાવા લાગ્‍યા. આ દર્દનાક દુર્ઘટનામાં ૮ લોકોના ઘટનાસ્‍થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્‍યા છે, જ્‍યારે અનેક ગંભીર રીતે ઘાયલ થતા હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે.

આ દુર્ઘટનાની ગંભીરતા જોતા મુખ્‍યમંત્રી નીતિશ કુમારે તાત્‍કાલિક વળતરની જાહેરાત કરી છે. મળતકોના આશ્રિતોને આપત્તિ વ્‍યવસ્‍થાપન વિભાગ તરફથી રૂ.૪ લાખ અને મુખ્‍યમંત્રી રાહત ભંડોળમાંથી રૂ.૨ લાખ મળી કુલ રૂ.૬ લાખની સહાય આપવામાં આવશે. સ્‍થાનિક દીપનગર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં તમામ મળતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્‍યા છે અને ઘાયલોને નજીકની મોડેલ હોસ્‍પિટલમાં આધુનિક સુવિધાઓ સાથે સારવાર આપવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ મંદિર માત્ર આસ્‍થાનું કેન્‍દ્ર જ નહીં પણ મહાન ઐતિહાસિક વિરાસત પણ છે. ગુપ્તકાળ દરમિયાન ચીની પ્રવાસી ફા-હિયાન દ્વારા જેના ગુણગાન ગવાયા હતા અને સ્‍કંદ પુરાણમાં જેનો ઉલ્લેખ છે, તેવા સિદ્ધપીઠમાં થયેલી આ હોનારતે તંત્રની સુરક્ષા વ્‍યવસ્‍થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. દર મંગળવારે ઉમટતી હજારોની ભીડ છતાં યોગ્‍ય ક્રાઉડ મેનેજમેન્‍ટના અભાવે આ પવિત્ર સ્‍થળ આજે રક્‍તરંજિત બન્‍યું છે.

(2:51 PM IST)