News of Tuesday, 31st March 2026
ગોવામાં પેરાસેલિંગનું દોરડું તૂટતા પ્રવાસી દરિયામાં પડયો
રૂવાડા ઉભા કરી દેતો અકસ્માતઃ સદનસીબે લાઈફ જેકેટ પહેરેલું હોવાથી પ્રવાસી પાણીમાં તરતો રહ્યો

પણજી,તા.૩૧: ગોવાના દરિયા કિનારે મોજ-મસ્તી અને એડવેન્ચરનો આનંદ માણી રહેલા પ્રવાસીઓ માટે રવિવારની સાંજ એક ભયાનક દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગઈ હતી. ગોવાના સૌથી પ્રખ્યાત એવા બાગા બીચ પર પેરાસેલિગ દરમિયાન એક એવી ઘટના બની, જેણે ત્યાં હાજર લોકોના હૃદયના ધબકારા વધારી દીધા હતા. હવામાં સેંકડો ફૂટની ઊંચાઈએ ઉડી રહેલા એક પ્રવાસીનું પેરાશૂટ દોરડું અચાનક તૂટી ગયું હતું અને તે પળવારમાં આસમાનમાંથી સીધો ઊંડા દરિયામાં ખાબક્યો હતો.
બાગા બીચ પર પ્રવાસીઓ જ્યારે પેરાસેલિગની મજા માણી રહ્યા હતા, ત્યારે એક પ્રવાસી બોટ સાથે બંધાયેલા પેરાશૂટ (Parachute) દ્વારા આકાશમાં ઊંચે ઉડી રહ્યો હતો. બોટની સ્પીડ સાથે પેરાશૂટ આસમાનમાં લહેરાઈ રહ્યું હતું, પરંતુ અચાનક નસીબે સાથ છોડ્યો હોય તેમ બોટ અને પેરાશૂટને જોડી રાખતી મજબૂત કેબલ હવામાં જ ચટકી ગઈ હતી. કેબલ તૂટતાની સાથે જ પેરાશૂટ પરથી નિયંત્રણ હટી ગયું હતું અને પ્રવાસી પતંગની જેમ ગોથા ખાતો ખાતો સીધો સમુદ્રના મોજાઓ વચ્ચે જઈ પડ્યો હતો.
આ ભયાનક દ્રશ્ય જોઈને કિનારા પર હાજર પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ચીસાચીસ મચી ગઈ હતી. જોકે, આ આખી ઘટનામાં એક જ સારી વાત એ હતી કે પ્રવાસીએ સુરક્ષાના ધોરણો મુજબ લાઈફ જેકેટ (Life Jacket) પહેરી રાખ્યું હતું. ઊંચાઈ પરથી પાણીમાં પડ્યા બાદ લાઈફ જેકેટના કારણે તે ડૂબ્યો નહીં અને પાણીની સપાટી પર તરતો રહ્યો. ગણતરીની મિનિટોમાં જ બોટના સ્ટાફ અને સ્થાનિક લાઈફગાર્ડ્સે (Lifeguards) હિંમત બતાવીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું અને પ્રવાસીને સહીસલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો હતો.
આ સમગ્ર અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ગોવામાં એડવેન્ચર સ્પોર્ટ્સ ચલાવતા ઓપરેટરોની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે. પ્રવાસન વિભાગે આ મામલે કડક વલણ અપનાવ્યું છે અને તપાસના આદેશ આપ્યા છે. જો ઓપરેટરના સાધનોની ગુણવત્તામાં ખામી જણાશે, તો તેનું લાયસન્સ રદ કરવા સહિતની કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
ગોવા ફરવા આવતા લાખો પ્રવાસીઓ માટે પેરાસેલિંગ સૌથી વધુ લોકપ્રિય એક્ટિવિટી છે, પરંતુ સમયાંતરે બનતી આવી ઘટનાઓ પ્રવાસીઓના મનમાં ફાળ પાડે છે. નિષ્ણાતોના મતે, ઓપરેટરોએ દરરોજ પોતાના કેબલ અને સાધનોનું ટેકનિકલ ચેકિંગ કરવું જોઈએ જેથી કરીને કોઈનો આનંદ માતમમાં ન ફેરવાય.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
