હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધના તણાવની સીધી અસર: UAEમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, એપ્રિલથી ખિસ્સા પર વધશે બોજ
ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષ અને વૈશ્વિક ક્રૂડ માર્કેટમાં અસ્થિરતાને પગલે સંયુક્ત આરબ અમીરાત સરકારે ઇંધણના દરોમાં મોટો વધારો ઝીંક્યો

દુબઈ, તા.31: સંયુક્ત આરબ અમીરાત (UAE) માં રહેતા ભારતીયો અને સ્થાનિક રહેવાસીઓ માટે એપ્રિલ મહિનો મોંઘવારીનો આંચકો લઈને આવ્યો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને પ્રાદેશિક તણાવને જોતા, UAE ફ્યુઅલ પ્રાઈસ કમિટીએ એપ્રિલ 2026 માટે પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કર્યા છે. 1 એપ્રિલથી લાગુ થનારા આ નવા ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જેની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન અને સામાન્ય જનતાના બજેટ પર પડશે.
નવા ભાવ પત્રક પર એક નજર
નવા સુધારા મુજબ, પ્રીમિયમ ગણાતું સુપર 98 પેટ્રોલ હવે માર્ચના Dh2.59 થી વધીને સીધું Dh3.39 પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. તેવી જ રીતે, સૌથી વધુ વપરાતા સ્પેશિયલ 95 પેટ્રોલના ભાવમાં પણ મોટો વધારો થયો છે, જે હવે Dh2.48 થી વધીને Dh3.28 પ્રતિ લિટર થશે. ઓછી ઓક્ટેન ક્ષમતા ધરાવતું E-Plus પેટ્રોલ જે ગયા મહિને Dh2.40 હતું, તે હવે Dh3.20 ના ભાવે મળશે.
ડીઝલના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો
સૌથી ચોંકાવનારો વધારો ડીઝલના ભાવમાં જોવા મળ્યો છે. માર્ચ મહિનામાં Dh2.72 પ્રતિ લિટર મળતું ડીઝલ હવે Dh4.69 પ્રતિ લિટરના ભાવે વેચાશે. ડીઝલના ભાવમાં આટલો મોટો ઉછાળો આવવાથી માલસામાનની હેરફેર મોંઘી થશે, જેની અસર આગામી દિવસોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર પણ પડી શકે છે.
શા માટે વધ્યા ભાવ?
UAE માં વર્ષ 2015 થી ઇંધણના ભાવને અંકુશમુક્ત (deregulated) કરવામાં આવ્યા છે. તેનો અર્થ એ કે અહીંના ભાવ સીધા આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના માર્કેટ સાથે જોડાયેલા છે. હાલમાં ઈરાન અને આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિને કારણે તેલના પુરવઠામાં અવરોધ આવવાની ભીતિ છે, જેના કારણે વૈશ્વિક બજારમાં તેલના ભાવ આસમાને પહોંચ્યા છે.
ભારતીયો માટે ચિંતાનો વિષય
UAE માં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ વસે છે. ઇંધણના ભાવમાં આ વધારો અને પ્રાદેશિક તણાવને કારણે ત્યાંની અર્થવ્યવસ્થા ધીમી પડી રહી હોવાના અહેવાલો છે. નોકરીઓમાં કાપ અને પગારમાં ઘટાડો થવાની આશંકા વચ્ચે, ભારત તરફ મોકલવામાં આવતા રેમિટન્સ (નાણાં) પર પણ તેની માઠી અસર પડી શકે તેમ છે.
નોંધ: આ નવા દરો આવતીકાલ એટલે કે 1 એપ્રિલ, 2026 થી સમગ્ર અમીરાતમાં અમલી બનશે. ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તે મુજબ તેમના માસિક ખર્ચનું આયોજન કરે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
