<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

ગરીબીમાં નોકરાણીનું કામ કર્યું, છતાં હાર ન માની: આ દક્ષિણ ભારતીય અભિનેત્રીએ 1,500 ફિલ્મો સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું!

5 મુખ્યમંત્રીઓ સાથે રૂપેરી પડદે કામ કરનાર 'આચી મનોરમા'ની આંસુથી સફળતા સુધીની સફર: પતિએ સાથ છોડ્યો પણ કળાએ અમર બનાવી દીધા

ચેન્નઈ, તા.31: ગ્લેમરની દુનિયામાં અનેક સિતારાઓ ચમકતા હોય છે, પરંતુ જેમના જીવનનો સંઘર્ષ પથ્થર પર કોતરાયેલી રેખાઓ જેવો મજબૂત હોય તેવા કલાકારો જ ઇતિહાસ રચતા હોય છે. આજે વાત કરવી છે દક્ષિણ ભારતીય સિનેમાના 'લેજન્ડરી' અભિનેત્રી આચી મનોરમાની. એક સમયે પેટનો ખાડો પૂરવા બીજાના ઘરે વાસણ-કચરા કરતા મનોરમાએ કેવી રીતે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, તે જાણીને તમે પણ દંગ રહી જશો.

શાળા છૂટી ગઈ પણ સપના નહીં

મનોરમાના જીવનની શરૂઆત અત્યંત કરુણ હતી. પરિવારની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે એક ટંકના જમવાના પણ ફાંફા હતા. જ્યારે માતાની તબિયત લથડી, ત્યારે ઘર ચલાવવા માટે 12 વર્ષની નાની ઉંમરે મનોરમાએ શાળા છોડી દેવી પડી. તેમણે બીજાના ઘરમાં નોકરાણી તરીકે કામ શરૂ કર્યું. જોકે, કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. ગામમાં આવેલા એક નાટક જૂથના કલાકાર બીમાર પડ્યા અને મનોરમાને સ્ટેજ પર જવાની તક મળી. બસ, અહીંથી જ તેમની અભિનય યાત્રાનો પ્રારંભ થયો.

પ્રેમમાં મળ્યો દગો, પણ પડદા પર છવાયા

વ્યક્તિગત જીવનમાં પણ મનોરમાએ કપરા ચઢાણ જોયા. તેઓ એક ડ્રામા કંપનીના મેનેજરના પ્રેમમાં પડ્યા અને લગ્ન કર્યા, પરંતુ તેમના પતિએ અધવચ્ચે જ સાથ છોડી દીધો. એકલી પડેલી મનોરમાએ ફરી થિયેટરનો આશરો લીધો અને 1958માં 'મલયિતા મંગાઈ' ફિલ્મથી તમિલ સિનેમામાં એન્ટ્રી કરી. તેમની કોમેડી અને ભાવુક અભિનયની શૈલી એવી જામી કે જોતજોતામાં તેઓ કરોડો લોકોના દિલમાં વસી ગયા.

5 મુખ્યમંત્રીઓ સાથે કામ કરવાનો અનોખો રેકોર્ડ

આચી મનોરમા ભારતના એકમાત્ર એવા અભિનેત્રી છે જેમણે દેશના પાંચ મુખ્યમંત્રીઓ સાથે રૂપેરી પડદે કામ કર્યું છે. જેમાં સી.એન. અન્નાદુરાઈ, એમ. કરુણાનિધિ, એમ.જી. રામચંદ્રન, જે. જયલલિતા અને ડો. એન.ટી. રામા રાવનો સમાવેશ થાય છે. આ એક એવી સિદ્ધિ છે જે આજ સુધી કોઈ કલાકાર હાંસલ કરી શક્યું નથી.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ અને અંતિમ સફર

મનોરમાએ પોતાની કારકિર્દીમાં 1,500 થી વધુ ફિલ્મો અને 5,000 થી વધુ નાટકોમાં અભિનય કર્યો હતો. આ અદભૂત આંકડાને કારણે તેમનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સુવર્ણ અક્ષરે નોંધાયેલું છે. વર્ષ 2013 થી તેમની તબિયત નાજુક રહેવા લાગી અને વર્ષ 2015 માં આ મહાન કલાકારે દુનિયાને અલવિદા કહી દીધું. આજે પણ તેમની સંઘર્ષગાથા લાખો યુવા કલાકારો માટે પ્રેરણાનું ઝરણું છે

(5:39 PM IST)