<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

ભારતીય નૌકાદળ બન્યું વધુ શક્તિશાળી: GRSE એ સોંપ્યા 3 અત્યાધુનિક સ્વદેશી યુદ્ધ જહાજો, દરિયામાં દુશ્મનોના છક્કા છોડાવવા ભારત સજ્જ!

દુનાગિરી, સંશોધક અને અગ્રે: મિસાઇલ હુમલાથી લઈ સબમરીનનો નાશ કરવા સુધીની તમામ શક્તિ હવે નૌસેનાના હાથમાં, 'મેક ઇન ઇન્ડિયા'નું નવું સીમાચિહ્ન

કોલકાતા : ભારતીય સંરક્ષણ ક્ષેત્રે આજે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ (GRSE) દ્વારા ગઈકાલે ભારતીય નૌકાદળને ત્રણ અત્યાધુનિક ફ્રન્ટલાઈન નેવલ પ્લેટફોર્મ - 'દુનાગિરી', 'સંશોધક' અને 'અગ્રે' સત્તાવાર રીતે સોંપવામાં આવ્યા છે. આ ત્રણેય જહાજો ભારતીય દરિયાઈ સીમાની સુરક્ષામાં ગેમ-ચેન્જર સાબિત થશે.

ત્રણેય યોદ્ધાઓની અલગ-અલગ વિશેષતાઓ

નૌસેનાના કાફલામાં સામેલ થયેલું 'દુનાગિરી' જહાજ ઘાતક મિસાઇલોથી સજ્જ છે, જે નિર્ધારિત લક્ષ્યો પર સચોટ પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. બીજી તરફ, 'સંશોધક' જહાજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંડાણપૂર્વક સર્વેક્ષણ કરી રણનીતિક ડેટા એકત્રિત કરશે. જ્યારે 'અગ્રે' જહાજને ખાસ કરીને દુશ્મન દેશની સબમરીનનો શોધીને નાશ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ત્રણેય જહાજોની જુગલબંધી દરિયામાં ભારતનું વર્ચસ્વ વધારશે.

GRSE એ રચ્યો 118 યુદ્ધ જહાજોનો રેકોર્ડ

આ ડિલિવરી સાથે જ GRSE એ કુલ 118 યુદ્ધ જહાજો બનાવવાનો ગૌરવશાળી આંકડો પાર કરી લીધો છે. જેમાંથી 80 જહાજો તો માત્ર ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યા છે. આ સિદ્ધિ 'આત્મનિર્ભર ભારત' અભિયાનને નવી ઊંચાઈએ લઈ જાય છે. નૌકાદળ વતી રીઅર એડમિરલ ગૌતમ મારવાહ અને કમાન્ડર શિશિર દીક્ષિતે ઔપચારિક રીતે આ જહાજોનો સ્વીકાર કર્યો હતો.

દરિયાઈ સીમાઓ હવે વધુ સુરક્ષિત

હિંદ મહાસાગર અને અરબી સમુદ્રમાં વધતી જતી હિલચાલ વચ્ચે આ ત્રણ શક્તિશાળી પ્લેટફોર્મનું આગમન ભારત માટે અત્યંત મહત્વનું છે. ટેકનોલોજી અને મારક ક્ષમતાની દ્રષ્ટિએ આ જહાજો દુનિયાના શ્રેષ્ઠ યુદ્ધ જહાજોને ટક્કર આપે તેવા છે. હવે ભારતની સમુદ્રી સીમાઓ પર નજર બગાડતા દુશ્મનોએ સો વાર વિચાર કરવો પડશે, કારણ કે ભારતીય નૌસેના હવે પહેલા કરતા વધુ સજ્જ અને શક્તિશાળી છે.

(6:59 PM IST)