હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકાને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો આંચકો: સ્પેન બાદ હવે ઇટાલીએ પણ ઈરાન યુદ્ધ મિશન માટે પોતાના એરબેઝના દરવાજા કર્યા બંધ
સિસિલીના વ્યૂહાત્મક 'સિગોનેલા બેઝ' પર યુએસ બોમ્બર્સને ઉતરવાની મનાઈ; નાટો સાથી દેશોના વિરોધથી ટ્રમ્પ સરકારની લશ્કરી વ્યુહરચના મુશ્કેલીમાં

રોમ : મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા યુદ્ધ વચ્ચે અમેરિકાની લશ્કરી તાકાતને યુરોપિયન સાથી દેશો તરફથી એક પછી એક મોટા આંચકા મળી રહ્યા છે. સ્પેન દ્વારા રસ્તો રોક્યાના ગણતરીના કલાકોમાં જ હવે ઇટાલીએ પણ ઈરાન વિરુદ્ધના યુદ્ધ મિશન માટે તેના સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની અમેરિકાને સ્પષ્ટ 'ના' કહી દીધી છે. આ નિર્ણયને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન માટે લોજિસ્ટિક્સ અને હુમલાની યોજનાઓ ઘડવી અત્યંત જટિલ બની ગઈ છે.
સિગોનેલા એરબેઝ પર નો-એન્ટ્રી
ઇટાલીના પ્રતિષ્ઠિત દૈનિક 'કોરીએર ડેલા સેરા'ના અહેવાલ મુજબ, અમેરિકાએ સિસિલીમાં આવેલા વ્યૂહાત્મક સિગોનેલા એરબેઝ પર તેના શક્તિશાળી બોમ્બર્સ ઉતારવાની પરવાનગી માંગી હતી. જોકે, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકારે આ વિનંતી ફગાવી દીધી છે. ઇટાલિયન અધિકારીઓનું કહેવું છે કે અમેરિકાએ યોગ્ય અધિકૃતતા પ્રક્રિયાઓનું પાલન કર્યું નથી અને રોમ સાથે પૂરતી સલાહ-મસલત કર્યા વિના જ આ મિશન આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો.
સ્પેનનું કડક વલણ અને એરસ્પેસબંધી
આ પહેલા સ્પેને પણ ઈરાન પર હુમલો કરવા જઈ રહેલા યુએસ યુદ્ધ વિમાનો માટે પોતાનું આકાશ (એરસ્પેસ) બંધ કરી દીધું હતું. સ્પેનિશ વડાપ્રધાન પેડ્રો સાંચેઝે યુદ્ધનો વિરોધ કરતા સ્પષ્ટ કર્યું છે કે માનવતાવાદી કટોકટી સિવાય અન્ય કોઈ પણ લશ્કરી કાર્યવાહી માટે સ્પેનના પાયાનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં. સ્પેનના આ નિર્ણયથી અમેરિકી બોમ્બર્સને હવે લાંબો રૂટ લેવાની ફરજ પડી છે, જેનાથી ઈંધણ અને સમયનો વ્યય વધી રહ્યો છે.
નાટો સાથીઓ વચ્ચે તિરાડ?
સામાન્ય રીતે નાટો (NATO) સાથી દેશો અમેરિકાના લશ્કરી મિશનમાં સહયોગ આપતા હોય છે, પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે. સ્પેન અને ઇટાલીના આ વલણથી વોશિંગ્ટન નારાજ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આડકતરી રીતે વેપારી પરિણામો ભોગવવાની ધમકી પણ આપી છે. બીજી તરફ, યુરોપિયન દેશો ઈરાન સાથેના સીધા યુદ્ધમાં હોમાવા માંગતા નથી, જે સાથી દેશો વચ્ચે વધતી જતી રાજદ્વારી તિરાડ તરફ ઈશારો કરે છે.
લોજિસ્ટિક્સની કટોકટી
ઇટાલી અને સ્પેન જેવા દેશોના ઇનકાર બાદ, અમેરિકાએ હવે ભૂમધ્ય સમુદ્રમાં તેના ઓપરેશન્સ માટે વૈકલ્પિક માર્ગો શોધવા પડશે. ઈઝરાયેલના દાવા મુજબ બુધવાર સુધીમાં ઈરાનના તમામ મહત્વના લક્ષ્યોને નષ્ટ કરવાની યોજના છે, ત્યારે સાથી દેશોનો આ વિરોધ અમેરિકા અને ઈઝરાયેલ માટે મોટો પડકાર બની રહ્યો છે.
આગામી દિવસોમાં વિશ્વના નકશા પર સત્તાના સમીકરણો કેવી રીતે બદલાય છે, તેના પર સમગ્ર દુનિયાની નજર મંડાયેલી છે. યુરોપના આ 'બળવા'એ સાબિત કરી દીધું છે કે હવે અમેરિકા માટે મનસ્વી રીતે લશ્કરી મથકોનો ઉપયોગ કરવો એટલો સરળ રહ્યો નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
