હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રમ્પનો લંડન પર 'ટ્વિટર બોમ્બ': "હવે તમારી લડાઈ જાતે લડો: હિંમત હોય તો હોર્મુઝ જાઓ અને તેલ લઈ આવો!"
બ્રિટને ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં સાથ ન આપતા ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ; 'સોશિયલ ટ્રુથ' પર નાટો દેશોની ઝાટકણી કાઢતા કહ્યું કે અમેરિકા હવે કોઈની રક્ષા કરવા બેઠું નથી : યુકે કાં તો અમારી પાસેથી મોંઘા ભાવે તેલ ખરીદે અથવા પોતાની સુરક્ષા જાતે કરે

વોશિંગ્ટન: ઈરાન સાથેના ભીષણ યુદ્ધની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સૌથી જૂના સાથી એવા બ્રિટન (UK) વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. ટ્રમ્પે અત્યંત આક્રમક તેવરમાં સ્પષ્ટ કરી દીધું છે કે જે દેશોએ ઈરાનને નષ્ટ કરવાના અમેરિકી અભિયાનમાં ટેકો આપ્યો નથી, તેમણે હવે પોતાની મુસીબતોનો સામનો જાતે જ કરવો પડશે. વારંવારની વિનંતી છતાં યુનાઈટેડ કિંગડમે આ જંગમાં જોડાવાનો ઇનકાર કરતા ટ્રમ્પે 'સોશિયલ ટ્રુથ' પર પોતાનો બળાપો કાઢ્યો છે. તેમણે બ્રિટનને ટોણો મારતા કહ્યું કે જો તમારી પાસે જેટ ઈંધણ ખૂટી રહ્યું હોય, તો હિંમત એકઠી કરીને હોર્મુઝ સ્ટ્રેટમાં જાઓ અને ઈરાન પાસેથી તેલ છીનવી લો, અમેરિકા હવે તમારી મદદ માટે ત્યાં હાજર રહેશે નહીં.
હોર્મુઝની ખાડી પર ઈરાનના વર્ચસ્વને કારણે વિશ્વભરમાં તેલનો પુરવઠો ખોરવાયો છે, જેની સીધી અસર બ્રિટન પર પડી છે. આ તકનો લાભ લેતા ટ્રમ્પે બ્રિટન સામે બે વિકલ્પો મૂક્યા છે: પહેલો એ કે અમેરિકા પાસેથી તેલ ખરીદો કારણ કે ત્યાં કોઈ અછત નથી, અને બીજો એ કે પોતાના દમ પર હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલ મેળવો. ટ્રમ્પના મતે, ઈરાન હવે લગભગ નાશ પામ્યું છે અને મુશ્કેલ કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ જે દેશો અમેરિકાની પડખે ઊભા ન રહ્યા તેમને હવે રક્ષણ પૂરું પાડવાની જવાબદારી વ્હાઇટ હાઉસની નથી. આ નિવેદને નાટો દેશો વચ્ચેના સંરક્ષણ કરારો પર મોટા પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કરી દીધા છે.
ગઈકાલે ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની છેલ્લી ધમકી આપી હતી, પરંતુ ઈરાને અમેરિકી બેઝ અને ઈઝરાયેલ પર હુમલા ચાલુ રાખતા ટ્રમ્પની ધમકીની કોઈ અસર દેખાઈ નથી. પોતાની ધમકીઓ નિષ્ફળ જતી જોઈને હવે ટ્રમ્પનો ગુસ્સો બ્રિટન અને અન્ય યુરોપિયન દેશો પર ઉતરી રહ્યો છે. ટ્રમ્પનું આ 'અમેરિકા ફર્સ્ટ' વલણ પશ્ચિમી દેશોના ગઠબંધનને તોડી શકે છે. જો બ્રિટન જેવો દેશ પણ અમેરિકાના રક્ષણ વિના એકલો પડી જશે, તો મધ્ય પૂર્વના આ યુદ્ધની લપેટમાં આખું યુરોપ આવી જવાની ભીતિ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
