<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

મમતા સરકારને હાઇકોર્ટનો ઝટકો: 'ચૂંટણી પંચના કામમાં દખલ નહીં કરીએ': અધિકારીઓની બદલીઓ સામેની TMCની અરજી ફગાવી!

પ. બંગાળમાં વહીવટી અને પોલીસ અધિકારીઓની મોટાપાયે બદલીઓને પડકારતી તૃણમૂલ કોંગ્રેસની અરજી કોર્ટે ફગાવી : મુખ્ય ન્યાયાધીશની બેન્ચે સ્પષ્ટ કર્યું કે નિષ્પક્ષ ચૂંટણી માટે અધિકારીઓને હટાવવાનો પંચનો નિર્ણય સંપૂર્ણપણે બંધારણીય અને માન્ય

કોલકાતા:  પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મોટા વહીવટી ફેરફારો સામે તૃણમૂલ કોંગ્રેસ (TMC) ને કાયદાકીય મોરચે પછડાટ મળી છે. કોલકાતા હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તે ચૂંટણી પંચની આંતરિક કામગીરી કે બદલીઓના નિર્ણયોમાં હસ્તક્ષેપ કરશે નહીં. મુખ્ય ન્યાયાધીશ સુજય પાલ અને ન્યાયાધીશ પાર્થસારથી સેનની ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું કે લોકશાહીમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓની હેરફેર કરવાનો પંચ પાસે સંપૂર્ણ અધિકાર છે અને તે દરેક બદલી માટે કારણો આપવા બંધાયેલું નથી.

TMC ના વરિષ્ઠ નેતા અને સાંસદ કલ્યાણ બેનર્જીએ જાહેર હિતની અરજી (PIL) દ્વારા દલીલ કરી હતી કે પંચ દ્વારા કરવામાં આવી રહેલી સામૂહિક બદલીઓથી રાજ્યના વહીવટીતંત્ર પર વિપરીત અસર પડશે અને વિકાસના કામો અટકી જશે. જોકે, કોર્ટે આ દલીલોને ફગાવતા કહ્યું કે આ બદલીઓ માત્ર અસ્થાયી છે અને તે સીધી રીતે જાહેર હિતને નુકસાન પહોંચાડતી નથી. કોર્ટે એમ પણ ઉમેર્યું કે જો કોઈ અધિકારીને વ્યક્તિગત રીતે અન્યાય થયો હોય તો તેઓ અલગથી કોર્ટમાં જઈ શકે છે, પરંતુ પક્ષપાતનો આરોપ લગાવીને આખી પ્રક્રિયાને અટકાવી શકાય નહીં.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે આચારસંહિતા લાગુ થતાની સાથે જ બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવ સહિત અનેક વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓની બદલી કરી દીધી હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ કાર્યવાહીને 'રાજકીય હસ્તક્ષેપ' ગણાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રના ઈશારે બંગાળને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. હાઇકોર્ટના આ તાજા ચુકાદા બાદ હવે મમતા સરકાર પાસે આ બદલીઓ સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી, જેના કારણે ચૂંટણી પહેલા બંગાળનું રાજકીય તાપમાન ઓર વધી ગયું છે.

(8:24 PM IST)