હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યો યો હની સિંહના મુંબઈ કોન્સર્ટમાં હંગામો! સુરક્ષાના નિયમો નેવે મૂકનાર આયોજકો પર પોલીસની કડક કાર્યવાહી, જાણો કેમ નોંધાઈ FIR
એરપોર્ટ નજીક લેસર લાઇટનો ખતરનાક ખેલ અને ક્ષમતા કરતાં વધુ ભીડ: મુંબઈ પોલીસે આયોજકો સામે લીધા કાયદેસરના પગલાં

મુંબઈ : બોલીવુડના મશહૂર રેપર અને ગાયક યો યો હની સિંહનો મુંબઈમાં યોજાયેલો લાઈવ કોન્સર્ટ હવે કાયદાકીય ગૂંચવણમાં ફસાયો છે. 28 માર્ચે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ના MMRDA ગ્રાઉન્ડ પર યોજાયેલા આ ધમાકેદાર શોમાં નિયમોના ઉલ્લંઘન બદલ મુંબઈ પોલીસે આયોજકો વિરુદ્ધ FIR દાખલ કરી છે. હની સિંહના ગીતો પર ઝૂમતા ચાહકો વચ્ચે પડદા પાછળ ચાલી રહેલા ગેરવહીવટની પોલ હવે ખુલી ગઈ છે.
લેસર લાઇટ બની મુસીબતનું કારણ
આ કેસમાં સૌથી ગંભીર બાબત 'હાઇ-બીમ લેસર લાઇટ'નો ઉપયોગ છે. MMRDA ગ્રાઉન્ડ મુંબઈ એરપોર્ટની અત્યંત નજીક હોવાથી ત્યાં હવામાં ઊંચે સુધી જતી લેસર લાઇટ પર સખત પ્રતિબંધ છે, કારણ કે તે પાઇલટ્સ માટે જોખમી બની શકે છે. પોલીસની સ્પષ્ટ ચેતવણી છતાં 'તમન્નાઝ વર્લ્ડવાઇડ'ના આયોજકોએ શોને ઝાકઝમાળ બનાવવા આ નિયમનો ભંગ કર્યો, જેના કારણે ઇન્દ્રજીત સિંહ સામે ગુનો નોંધાયો છે.
12 હજારની મંજૂરી અને 20 હજારની ભીડ!
કોન્સર્ટમાં માત્ર લેસર લાઇટ જ નહીં, પણ ભીડનું મેનેજમેન્ટ પણ શૂન્ય રહ્યું હતું. આયોજકોએ પોલીસને 12,000 લોકોની હાજરીની જાણ કરી હતી, પરંતુ વાસ્તવમાં ત્યાં 18 થી 20 હજાર લોકો ઉમટી પડ્યા હતા. આટલી મોટી મેદનીને કારણે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. સોશિયલ મીડિયા પર ચાહકોએ રોષ ઠાલવતા કહ્યું કે, જે લોકો પાસે ટિકિટ હતી તેઓ કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા, જ્યારે ટિકિટ વગરના લોકો ગેરકાયદેસર રીતે અંદર ઘૂસી ગયા હતા.
એક મહિલાએ ગેટ કૂદ્યો, સુરક્ષાકર્મીઓ સાથે ઘર્ષણ
અવ્યવસ્થા એટલી હદે વધી ગઈ હતી કે એક મહિલાએ બંધ ગેટ કૂદીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષાકર્મીઓએ તેને અટકાવતા મામલો બિચક્યો હતો અને મહિલાએ ઉશ્કેરાટમાં આવી ગાળાગાળી કરી હોવાનું પણ સામે આવ્યું છે.
આગામી સ્ટોપ: પુણે અને કોલકાતા
હની સિંહની આ ભારત ટુરનો આ બીજો શો હતો. દિલ્હી અને મુંબઈ બાદ હવે હની સિંહ પુણે અને કોલકાતામાં પર્ફોર્મ કરવાના છે. જોકે, મુંબઈમાં થયેલા આ વિવાદ બાદ આગામી શોના આયોજકો માટે સુરક્ષા અને નિયમોનું પાલન કરવું મોટો પડકાર બની રહેશે.
શું કહેવું છે પોલીસનું?
"જાહેર સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ચલાવી લેવામાં આવશે નહીં. એરપોર્ટ ઝોનમાં લેસર લાઇટનો ઉપયોગ ગંભીર ગુનો છે અને ભીડના ખોટા આંકડા આપીને જનતાના જીવ જોખમમાં મૂકવા બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે."









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
