<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

૨૦૦ કરોડની ઠગાઈનો હાઈવોલ્ટેજ ડ્રામા: સુકેશ-લીનાની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ : જેક્લીન ફર્નાન્ડીઝના નામે મચ્યો હંગામો!

દિલ્હી હાઈકોર્ટમાં ઠગબાજ સુકેશની પત્ની લીના પાઉલોસે ખેલ્યું નવું પત્તું : પતિના અફેર અને જેક્લીન સાથેના સંબંધોને આગળ ધરી જામીન મેળવવાની કરી કોશિશ : પોલીસ અને EDએ સિન્ડિકેટની માસ્ટરમાઇન્ડ ગણાવી જામીનનો કર્યો સખત વિરોધ

નવી દિલ્હી: ૨૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી હાઈકોર્ટે સુકેશ ચંદ્રશેખર અને તેની પત્ની લીના મારિયા પાઉલોસની જામીન અરજીઓ પર અંતિમ સુનાવણી પૂર્ણ કરી છે. આ સુનાવણી દરમિયાન લીનાએ હાઈકોર્ટમાં ચોંકાવનારો દાવો કર્યો હતો કે તેના સુકેશ સાથેના સંબંધો બગડ્યા છે અને સુકેશનું બીજી મહિલા સાથે અફેર છે. જ્યારે કોર્ટે એ મહિલાનું નામ પૂછ્યું, ત્યારે લીનાના વકીલે ફિલ્મ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝનું નામ લઈને સનસનાટી મચાવી દીધી હતી. લીનાએ પોતાની દલીલમાં જણાવ્યું હતું કે તે એક જાણીતી અભિનેત્રી છે અને સુકેશના ક્રાઈમ સિન્ડિકેટથી અજાણ હતી, પરંતુ તપાસ એજન્સીઓએ આ દલીલોને માત્ર બચાવવાનો એક પેંતરો ગણાવ્યો છે.

દિલ્હી પોલીસે લીનાની જામીન અરજીનો સખત વિરોધ કરતા જણાવ્યું હતું કે લીના માત્ર સુકેશની પત્ની નથી, પરંતુ આ આખા સંગઠિત ગુનાખોરી સિન્ડિકેટની સક્રિય સભ્ય છે. પોલીસના જણાવ્યા મુજબ, લીના જ ઠગાઈ અને ખંડણીમાંથી મળેલી કરોડોની રકમનું સંચાલન કરતી હતી અને હવાલા વ્યવહારો દ્વારા પૈસા અન્ય સભ્યોને વહેંચતી હતી. સપ્ટેમ્બર ૨૦૨૧માં ધરપકડ કરાયેલી લીના સામે MCOCA જેવા કડક કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે લીનાની ભૂમિકા સિન્ડિકેટના વહીવટમાં અત્યંત મહત્વની હતી, જેના કારણે તેની મુક્તિ તપાસને અસર કરી શકે છે.

 આ હાઈ-પ્રોફાઈલ કેસમાં હવે સુપ્રીમ કોર્ટે પણ દરમિયાનગીરી કરી છે અને દિલ્હી હાઈકોર્ટને ત્રણ અઠવાડિયામાં લીના પાઉલોસની જામીન અરજી પર અંતિમ નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, જેક્લીન ફર્નાન્ડીઝને પણ તાજેતરમાં સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો હતો જ્યારે EDનો કેસ રદ કરવાની તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. હવે તમામની નજર ૪ એપ્રિલ પર ટકેલી છે, જ્યારે કોર્ટ આ ઠગબાજ દંપતીના ભાવિ અંગે પોતાનો ચુકાદો આપી શકે છે. સુકેશ જેલમાંથી પણ જેક્લીનને અવનવી ભેટ અને પત્રો મોકલીને સતત ચર્ચામાં રહ્યો છે, જેણે આ કાનૂની કેસને વધુ જટિલ બનાવ્યો છે.

(10:23 PM IST)