હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
36,000 ફૂટની ઊંચાઈએ મોતનો ફફડાટ: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ધુમાડો દેખાતા પાયલોટે ગુંજવ્યો 'મેડે' કોલ!
બાગડોગરાથી દિલ્હી જતી ફ્લાઇટનું લખનૌમાં હાઈ-વોલ્ટેજ ઇમરજન્સી લેન્ડિંગ : કોકપિટના ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં શોર્ટ સર્કિટ બાદ ધુમાડાના ગોટેગોટા દેખાતા 148 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા : એરપોર્ટ પર એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટરો તૈનાત કરાયા

લખનૌ: આકાશમાં હજારો ફૂટની ઊંચાઈએ ત્યારે અફરાતફરી મચી ગઈ જ્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX-1523ના એવિઓનિક્સ વિભાગમાં અચાનક ધુમાડો જોવા મળ્યો. પાયલોટે જોખમ પારખીને તાત્કાલિક આંતરરાષ્ટ્રીય ખતરાનો સંકેત 'મેડે' (Mayday) જારી કર્યો હતો. લખનૌ એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરતા જ એરપોર્ટ પર કટોકટી જાહેર કરવામાં આવી અને વિમાનને સાંજે 5:18 વાગ્યે રનવે પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું.
વિમાનમાં 6 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 148 મુસાફરો સવાર હતા, જેમના માટે આ મુસાફરી જીવન-મરણનો ખેલ બની ગઈ હતી. લેન્ડિંગ બાદ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ટેકનિકલ ખામી એટલી ગંભીર હતી કે એરલાઇને વિમાનને 'એરક્રાફ્ટ ઓન ગ્રાઉન્ડ' (AOG) જાહેર કરી દીધું છે, જેનો અર્થ છે કે સંપૂર્ણ સમારકામ વગર આ વિમાન ફરી ઉડી શકશે નહીં.
ઇમરજન્સી લેન્ડિંગ બાદ મુસાફરો માટે એરલાઇન દ્વારા હોટલમાં રહેવાની અને વૈકલ્પિક ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘણા મુસાફરોને રિફંડ પણ આપવામાં આવ્યું હતું. હાલમાં વિમાન લખનૌ એરપોર્ટ પર પાર્ક કરેલું છે અને એન્જિનિયરોની ટીમ ધુમાડો નીકળવાના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે જેથી ભવિષ્યમાં આવી મોટી દુર્ઘટના ટાળી શકાય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
