<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

પતિએ પત્‍ની-બાળકોને ઝેર પીવડાવીને આપઘાત કર્યો

૧૫૦૦ રૂપિયાની ઈદીએ લીધા ત્રણ જીવ ! એક નાનકડી રકમના વિવાદે એક આખા પરિવારને કાયમ માટે ખતમ કરી નાખ્‍યો : પતિએ પહેલા પોતાની પત્‍ની અને બે નાના બાળકોને ઝેર આપીને મારી નાખ્‍યાં અને પછી પોતે ગળે ફાંસો ખાઈને આત્‍મહત્‍યા કરી લીધી

મુજફફરનગર,તા.૦૧: એક નાનકડી રકમના વિવાદે એક આખા પરિવારને કાયમ માટે ખતમ કરી નાખ્‍યો. ઈદના તહેવાર પર બહેનને ૧૫૦૦ રૂપિયાની ઈદી આપવાના વિવાદને લઈને પતિ-પત્‍ની વચ્‍ચે ઝઘડો થયો. આ ઝઘડો એટલો વકર્યો કે પતિએ પહેલા પોતાની પત્‍ની અને બે નાના બાળકોને ઝેર આપીને મારી નાખ્‍યાં અને પછી પોતે ગળે ફાંસો ખાઈને આત્‍મહત્‍યા કરી લીધી. આ હચમચાવનારી ઘટના મંગળવારે, ૩૧ માર્ચની સવારે સામે આવી હતી.

સિવિલ લાઈન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના સરવટ મોહલ્‍લામાં રહેતો ૩૦ વર્ષીય ઇરશાદ કલર કામ કરતો હતો. જે તેની પત્‍ની નૌરીન (૨૫) અને બે નાનાં બાળકો  ૨ વર્ષનો દીકરો આહિલ અને માત્ર ૧ મહિનાની દીકરી અક્ષા સાથે રહેતો હતો. ઈદના દિવસે ઇરશાદે પોતાની પરિણીત બહેનને ૧૫૦૦ રૂપિયાની ઈદી આપી હતી. આ વાતની જાણ તેની પત્‍ની નૌરીનને થતાં ઘરમાં ભારે વિવાદ શરૂ થયો. નૌરીન કહેવા લાગી કે ‘‘મને પૂછ્‍યા વગર પૈસા કેમ આપ્‍યા?'' આ વિવાદ એટલો વધ્‍યો કે નૌરીને પોતાની માતા અને બહેનોને ઘરે બોલાવી લીધી. તેઓ આવીને ઇરશાદ સાથે ખૂબ ઝઘડ્‍યાં અને ગાળા-ગાળી કરવા લાગ્‍યા.

પાડોશીઓએ સમજાવીને તેમને પાછા ઘરે મોકલી દીધા હતા. પરંતુ રાત્રે ચાર વાગ્‍યા સુધી પતિ-પત્‍ની વચ્‍ચે ઝઘડો ચાલુ રહ્યો. ૩૧ માર્ચની સવારે જ્‍યારે ઇરશાદના ભાઈ ઇનામે દરવાજો ખખડાવ્‍યો પરંતુ કોઈ જવાબ ન મળ્‍યો, ત્‍યારે તેણે દરવાજો તોડી નાખ્‍યો. અંદર જઈને જોતાં જ તેના પગ ધ્રુજી ઊઠ્‍યા. ઇરશાદ પંખા પર લટકતો હતો, જ્‍યારે જમીન પર તેની પત્‍ની નૌરીન, આહિલ અને અક્ષાના મૃતદેહ પડેલા હતા.

પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે ઇરશાદે પહેલા પોતાની પત્‍ની અને બંને બાળકોને ઝેર આપ્‍યું હશે, જેનાથી તેમનું મોત થયું. ત્‍યારબાદ તેણે પોતે ગળે ફાંસો ખાઈને આત્‍મહત્‍યા કરી લીધી. મુજફફરનગરના એસએસપી સંજય કુમાર વર્માએ જણાવ્‍યું કે, ‘‘પતિ-પત્‍ની વચ્‍ચે ઝઘડાની વાત સામે આવી છે. તમામ મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે મોકલવામાં આવ્‍યા છે. પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્‍સિક તપાસ પછી જ મૃત્‍યુનું સાચું કારણ સામે આવશે. આખા મામલાની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.''

ઇરશાદના ભાઈ ઇનામે જણાવ્‍યું કે, ‘‘ બહેનનું બાળક બીમાર હતું, તેથી તે ઈદી લેવા આવી હતી. ઇરશાદે તેને ૧૫૦૦ રૂપિયા આપ્‍યા હતા. આ જ વાતને લઈને નૌરીન ગુસ્‍સે થઈ ગઈ અને વિવાદ વકર્યો.'' આ ઘટનાથી આખા વિસ્‍તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.

(10:02 AM IST)