News of Wednesday, 1st April 2026
અમેરિકન ડ્રીમ પર ગ્રહણ? બિઝનેસ મેનેજમેન્ટ શિક્ષણ માટે હવે યુએસએ (USA) પહેલી પસંદગી નથી, ભારતીય વિદ્યાર્થીઓનો થયો મોહભંગ
વિઝાની અનિશ્ચિતતા અને તોતિંગ ખર્ચ નડ્યો: GMAC સર્વે મુજબ 2025માં અમેરિકા જવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓમાં 23%નો મોટો ઘટાડો, હવે યુરોપ અને એશિયા તરફ નજર

નવી દિલ્હી: તા.૧ દાયકાઓથી ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ શિક્ષણ (MBA) માટે મક્કા ગણાતા અમેરિકાની ચમક હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, ખાસ કરીને ભારતીયો માટે ઓછી થઈ રહી છે. ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ એડમિશન કાઉન્સિલ (GMAC) દ્વારા જાહેર કરાયેલા 'પ્રોસ્પેક્ટિવ સ્ટુડન્ટ્સ સર્વે 2026'ના ચોંકાવનારા આંકડા મુજબ, 2025ના પ્રથમ ક્વાર્ટરમાં જે 63% વિદ્યાર્થીઓ અમેરિકા જવા માંગતા હતા, તે સંખ્યા વર્ષના અંત સુધીમાં ઘટીને માત્ર 52% રહી ગઈ છે. સૌથી મોટો ફટકો મધ્ય અને દક્ષિણ એશિયાના બજારમાં પડ્યો છે, જ્યાં અરજી કરવાનો ઉત્સાહ 72% થી સીધો ઘટીને 49% પર આવી ગયો છે.
ભૂ-રાજનીતિ અને વિઝા નિયમો બન્યા અવરોધ
વિદ્યાર્થીઓના આ બદલાયેલા વલણ પાછળ અમેરિકાની કડક ઇમિગ્રેશન નીતિઓ અને વિઝા મેળવવાની અનિશ્ચિતતા મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. ભૂ-રાજકીય તણાવ અને બદલાતી સરકારી પ્રથાઓને કારણે વિદ્યાર્થીઓ હવે અમેરિકામાં મોટું રોકાણ કરતા ખચકાય છે. તેની સામે પશ્ચિમ યુરોપ અને એશિયાના ઉભરતા શૈક્ષણિક કેન્દ્રો વધુ આકર્ષક બની રહ્યા છે, જ્યાં વિઝા નિયમો પ્રમાણમાં લવચીક છે.
હવે માત્ર ડિગ્રી નહીં, પણ 'ROI' પર ભાર
GMAC ના CEO જોય જોન્સે જણાવ્યું હતું કે, "આજના વિદ્યાર્થીઓ પહેલા કરતા વધુ સમજદાર બન્યા છે. તેઓ હવે મેનેજમેન્ટ શિક્ષણને માત્ર કારકિર્દીના 'રીસેટ' તરીકે નહીં, પણ ચોક્કસ કૌશલ્યમાં લક્ષિત રોકાણ તરીકે જુએ છે." સર્વેક્ષણ મુજબ, 46% ઉમેદવારો માટે અભ્યાસનો ખર્ચ સૌથી મોટો અવરોધ છે. વિદ્યાર્થીઓ હવે પ્રોગ્રામના રેન્કિંગ કરતા 'રીટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ' (ROI) એટલે કે ભણ્યા પછી કેટલો પગાર મળશે અને નાણાકીય જોખમ કેટલું છે, તેની વધુ ચકાસણી કરી રહ્યા છે.
AI અને સ્પેશિયલાઇઝ્ડ કોર્સનો વધતો ક્રેઝ
અહેવાલ મુજબ, પરંપરાગત MBA ની સરખામણીએ હવે યુવાન વિદ્યાર્થીઓ 'સ્પેશિયલાઇઝ્ડ બિઝનેસ માસ્ટર્સ' પ્રોગ્રામ્સ તરફ વળ્યા છે. આશ્ચર્યજનક રીતે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પ્રત્યેનો રસ પણ આસમાને પહોંચ્યો છે. 2022માં માત્ર 17% વિદ્યાર્થીઓ શિક્ષણમાં AI ટૂલ્સની અપેક્ષા રાખતા હતા, જે આંકડો હવે વધીને 50% થઈ ગયો છે.
આ બદલાતા પ્રવાહો સૂચવે છે કે જો અમેરિકા પોતાની શૈક્ષણિક અને વિઝા નીતિઓમાં સુધારો નહીં કરે, તો આવનારા વર્ષોમાં તે વૈશ્વિક પ્રતિભા ગુમાવી શકે છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
