<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

ઓઇલ કંપનીઓને ૧ લિટરે ૧૦૫ રૂપિયાનું નુકસાન : પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારનું મોટું નિવેદન

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ૧૦૦ ટકા જેટલા તોતિગ ઉછાળા વચ્‍ચે ભારત સરકારે સામાન્‍ય નાગરિકોને મોટી રાહત આપી છે. પヘમિ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને કટોકટીના કારણે આંતરરાષ્ટ્રીય સ્‍તરે તેલના ભાવ ભડકે બળ્‍યા હોવા છતાં, કેન્‍દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે સ્‍પષ્ટતા કરી છે કે દેશમાં સામાન્‍ય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્‍યો નથી. ભારતમાં સામાન્‍ય જનતાને મોંઘવારીના મારથી બચાવવા માટે સરકારે આ મહત્‍વપૂર્ણ પગલું ભર્યું છે.

દિલ્‍હીમાં પેટ્રોલ અને ડીઝલના વર્તમાન ભાવ

* પેટ્રોલ : ૯૪.૭૭ રૂપિયા પ્રતિ લિટર

* ડીઝલ : ૮૭.૬૭ રૂપિયા પ્રતિ લિટર

ઓઇલ કંપનીઓને કેટલું નુકસાન

જ્‍યારે વિશ્વના અન્‍ય દેશોમાં ઇંધણના ભાવમાં ૩૦થી ૫૦ ટકાનો વધારો નોંધાયો છે, ત્‍યારે ભારતમાં સરકારી ઓઇલ કંપનીઓ  સામાન્‍ય ઈંધણ સસ્‍તા ભાવે વેચીને મોટો આર્થિક બોજ સહન કરી રહી છેઃ

* ડીઝલ પર નુકસાન : ૧૦૪.૯૯ રૂપિયા પ્રતિ લિટર

* પેટ્રોલ પર નુકસાન : ૨૪.૪૦ રૂપિયા પ્રતિ લિટર

જો સરકારનો હસ્‍તક્ષેપ ન હોત તો ભાવ શું હોત? નિષ્‍ણાતોના મતે, જો ઓઇલ કંપનીઓએ આ નુકસાન સીધું ગ્રાહકો પાસેથી વસૂલવાનું નક્કી કર્યું હોત, તો આજે ભારતમાં ડીઝલનો ભાવ અંદાજિત ૧૯૨.૬૬ રૂપિયા અને પેટ્રોલનો ભાવ ૧૧૯.૧૭ રૂપિયાની આસપાસ પહોંચી ગયો હોત.

માત્ર પ્રીમિયમ પેટ્રોલ અને કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો

મંત્રાલયે સ્‍પષ્ટતા કરી છે કે તાજેતરમાં જે ભાવવધારો જોવા મળ્‍યો છે તે માત્ર પ્રીમિયમ પેટ્રોલ વેરિયન્‍ટ્‍સ (જેમ કે XP૯૫, Power95, Speed) અને કોમર્શિયલ એલપીજી સિલિન્‍ડર પૂરતો જ સીમિત છે.

* આ હાઈ-ઓક્‍ટેન પ્રીમિયમ ફયુઅલનો ઉપયોગ કુલ પેટ્રોલ વપરાશના માત્ર ૨% થી ૫% જેટલો જ થાય છે, જે મોંઘી ગાડીઓ ધરાવતા ગ્રાહકો વાપરે છે.

* એલપીજી સિલિન્‍ડર રાહત : ઘરેલુ ગેસ સિલિન્‍ડર (૧૪.૨ કિલો) ની કિમત પણ ૯૧૩ રૂપિયા જાળવી રાખવામાં આવી છે, જ્‍યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ના લાભાર્થીઓ માટે તે ૬૧૩ રૂપિયા છે.

૪૦ હજાર કરોડના નુકસાનનો અંદાજ છતાં નાગરિકોને રક્ષણ

પેટ્રોલિયમ મંત્રાલયે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્‍યું છે કે આ નિર્ણય ભારતીય નાગરિકોના બજેટને આંતરરાષ્ટ્રીય કટોકટીની સીધી અસરથી બચાવવાની સરકારની કટિબદ્ધતા દર્શાવે છે. એક અંદાજ મુજબ, જો આ જ પરિસ્‍થિતિ રહી તો મે મહિનાના અંત સુધીમાં ઓઇલ કંપનીઓનું કુલ નુકસાન ૪૦,૦૦૦ કરોડ રૂપિયાને પાર પહોંચી શકે છે. આમ છતાં, સરકારે સ્‍પષ્ટ કર્યું છે કે સામાન્‍ય લોકોના હિતને પ્રાથમિકતા આપીને દેશના તમામ પંપ પર સામાન્‍ય પેટ્રોલ અને ડીઝલ જૂના ભાવે જ મળતું રહેશે.

(4:02 PM IST)