News of Wednesday, 1st April 2026
હવાઈ મુસાફરીમાં 'મોંઘવારીનો વિસ્ફોટ': મધ્ય પૂર્વના યુદ્ધની આગમાં હોમાયા પ્રવાસીઓના ખિસ્સા: ઈન્ડિગોનો ઈંધણ સરચાર્જમાં ધરખમ વધારો
યુરોપ અને યુકેની મુસાફરી હવે મધ્યમ વર્ગના સપનાથી દૂર: એવિએશન ફ્યુઅલના ભાવ ભડકે બળતા ઈન્ડિગોએ ઈન્ટરનેશનલ રૂટ પર સરચાર્જ ₹2,300 થી વધારી સીધો ₹10,000 કર્યો :ડોમેસ્ટિક ફ્લાઈટ્સના ભાડામાં પણ કમરતોડ વધારાની કડવી જાહેરાત

મુંબઈ: મધ્ય પૂર્વમાં ભભૂકી રહેલા યુદ્ધની સીધી અને આકરી અસર હવે ભારતીય આકાશમાં ઉડતી ફ્લાઈટ્સ પર જોવા મળી રહી છે. દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગોએ જાહેરાત કરી છે કે ઈંધણના ભાવમાં થયેલા અસાધારણ વધારાને કારણે હવે મુસાફરોએ 'ફ્યુઅલ સરચાર્જ' પેટે મોટી રકમ ચૂકવવી પડશે. આ નિર્ણયને કારણે ખાસ કરીને લાંબા અંતરની આંતરરાષ્ટ્રીય સફર કરનારા પ્રવાસીઓના બજેટ વેરવિખેર થઈ ગયા છે. યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના વૈશ્વિક બજારમાં જે અસ્થિરતા સર્જાઈ છે, તેનું સીધું ભાર હવે એરલાઈન્સે સામાન્ય જનતા પર નાખવાની ફરજ પડી છે, જેનાથી વેકેશન અને બિઝનેસ ટ્રિપ્સના પ્લાનિંગમાં મોટું વિઘ્ન આવ્યું છે.
સૌથી વધુ ચોંકાવનારો વધારો યુકે અને યુરોપના રૂટ પર જોવા મળ્યો છે, જ્યાં સરચાર્જમાં ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ જ્યાં પ્રવાસીઓ ₹2,300 ચૂકવતા હતા, ત્યાં હવે તેમણે સીધા ₹10,000 આપવા પડશે. ગ્રીસ, તુર્કી અને આફ્રિકાના રૂટ પણ હવે મોંઘા બન્યા છે, જેમાં સરચાર્જ અનુક્રમે ₹7,500 અને ₹5,000 સુધી પહોંચી ગયો છે. ઈન્ડિગોનું કહેવું છે કે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF) ના ભાવ જે રીતે આસમાને પહોંચ્યા છે, તે જોતા કંપની પાસે ઓપરેશનલ ખર્ચને સંતુલિત કરવા માટે આ કઠોર પગલું ભરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નહોતો.
માત્ર વિદેશી જ નહીં, પરંતુ દેશની અંદર મુસાફરી કરનારા લોકો માટે પણ ખરાબ સમાચાર છે. ઈન્ડિગોએ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે પણ જૂની ફ્લેટ રેટ સિસ્ટમ રદ કરી દીધી છે. હવે 1,000 કિલોમીટરથી વધુના અંતર માટે ₹275 થી લઈને ₹950 સુધીનો સરચાર્જ વસૂલવામાં આવશે. એટલે કે, તમે જેટલી લાંબી મુસાફરી કરશો, તેટલો જ વધુ બોજ તમારા ખિસ્સા પર પડશે. ગુરુવારથી અમલમાં આવનારા આ નવા દરોને કારણે અન્ય એરલાઈન્સ પણ ભાડામાં વધારો કરે તેવી પૂરેપૂરી શક્યતા છે, જે આગામી તહેવારોની સિઝનમાં હવાઈ મુસાફરો માટે મોટી મુસીબત સાબિત થઈ શકે છે.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
