<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

માર્ચમાં સેન્‍સેક્‍સ ૧૦,૦૦૦ તૂટયોઃ ૫૧ લાખ કરોડ યુદ્ધની જ્‍વાળામાં સ્‍વાહા

BSEમાં લિસ્‍ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ૪૬૩ લાખ કરોડથી ઘટીને ૪૧૨ લાખ કરોડ રૂપિયા થઈ ગયું : ક્રૂડ મોંઘું થવાથી કંપનીઓનો ખર્ચ વધી રહ્યો છે અને નફો ઘટી રહ્યો છે. જેની સીધી અસર શેરબજાર પર પડી રહી છે

મુંબઈ,તા.૦૨: ઈરાન-ઈઝરાયલ-અમેરિકા યુદ્ધને એક મહિનાથી વધારે સમય થઈ ગયો છે.  દિવસેને દિવસે સ્‍થિતિ ભીષણ રૂપ ધારણ કરી રહી છે. યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલ અને ગેસનો પુરવઠો પ્રભાવિત થયો છે, ક્રૂડ ઓઈલના ભાવમાં પણ આગ લાગી છે. હાલ બ્રેંટ ક્રૂડ ૧૦૭ ડોલર પ્રતિ બેરલ આસપાસ છે. યુદ્ધની સૌથી વધુ અસર ભારતીય શેરબજાર પર પડી છે. માર્ચ મહિનામાં જ બીએસઈના માર્કેટ કેપમાં ૫૧ લાખ કરોડથી વધુ રૂપિયાનો ઘટાડો થયો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો એક મહિનામાં RIL જેવી ત્રણ કંપનીઓ જેટલો BSE માર્કેટ કેપમાં ઘટાડો થયો છે.

યુદ્ધ શરુ થયા બાદથી સેન્‍સેક્‍સ અત્‍યાર સુધીમાં ૧૨ ટકાથી વધુ તૂટ્‍યો છે. સેન્‍સેક્‍સમાં આશરે ૧૦,૦૦૦ પોઈન્‍ટનો ઘટાડો થયો છે. જ્‍યારે નિફટી પણ ગબડીને ૨૨,૫૦૦થી નીચે પહોંચી ગયો છે. જે ચિતાનો વિષય છે. આ ઘટાડાના કારણે ગ્‍લ્‍ચ્‍માં લિસ્‍ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ૪૬૩ લાખ કરોડથી ઘટીને ૪૧૨ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. એટલે કે એક જ મહિનામાં ૫૧ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ ઘટાડો ક્‍યાં જઈને અટકશે તેની હાલ કોઈને ખબર નથી.

યુદ્ધના કારણે વૈશ્વિક સ્‍તરે ક્રૂડના ભાવમાં ઉછાળો આવ્‍યો છે. જેનાથી ભારત જેવા મોટા આયાતકાર દેશો પર દબાણ વધ્‍યું છે. ક્રૂડ મોંઘું થવાથી કંપનીઓનો ખર્ચ વધી રહ્યો છે અને નફો ઘટી રહ્યો છે. જેની સીધી અસર શેરબજાર પર પડી રહી છે.

આ ઉપરાંત રોકાણકારોમાં પેનિક માહોલ છે. વિદેશી રોકાણકારો સતત વેચવાલી કરી રહ્યા છે. રૂપિયો પણ સતત નબળો પડી રહ્યો છે.  બજારમાં ઘટાડો માત્ર મોટા શેર્સ પૂરતો જ મર્યાદીત નથી રહ્યો. મિડકેપ અને સ્‍મોલકેપ શેર્સમાં પણ તોતિગ ઘટાડો થયો છે. બેંકિગ, ઓટો અને કન્‍ઝ્‍યુમર સેક્‍ટર પણ પ્રભાવિત થયા છે.

ઇરાન અને અમરિકા વચ્‍ચે યુદ્ધનો નજીકના ભવિષ્‍યમાં અંત આવવાની ધૂંધળી શક્‍યતાઓને કારણે બજારનું સેન્‍ટીમેન્‍ટ ઘવાયેલું છે અને તેને જોતાં નજીકના તબક્કામાં બજારમાં રિકવરીના સંકેત અંત્‍યત પાતળા હોવાનું હવે મોટા ભાગના એનાલિસ્‍ટો માની રહ્યા છે.

યુદ્ધના કારણે સોના-ચાંદીની કિમતમાં પણ ઘટાડો થયો છે. યુદ્ધ પહેલા સોના-ચાંદીના ભાવમાં તેજી હતી પરંતુ યુદ્ધના કારણે મોંઘવારી વધવાનો ખતરો ઉભો થયો છે, જેથી આ કિમતી ધાતુના ભાવ પણ તૂટવા લાગ્‍યા છે. ઉલ્‍લેખનીય છે કે, વૈશ્વિક સંકટો દરમિયાન શેરબજારમાં ઘટાડો આવે છે પરંતુ સમય સાથે રિકવરી પણ થાય છે.

(9:57 AM IST)