તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 2nd April 2026
ગુજરાતના દરિયાકાંઠાના પંથકોમાં કુદરતનો પ્રકોપ : કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ગાજવીજ, તોફાની પવન અને કાળાડિબાંગ વાદળોના ઘેરાવા વચ્ચે કમોસમી માવઠાનું આક્રમણ
ભુજ, ખંભાળિયા અને સલાયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટાથી માર્ગો જળબંબાકાર : માર્ચની કાળઝાળ ગરમી વચ્ચે અચાનક બદલાયેલા મિજાજથી પદયાત્રીઓ મુશ્કેલીમાં મુકાયા અને તૈયાર રવિ પાક બગડવાની ભીતિએ ખેડૂત આલમમાં ભારે ફફડાટ

ભુજ: ગુજરાતમાં ગરમીના પારો ઉંચકાતાની સાથે જ વાતાવરણમાં આવેલા પલટાએ વરદાનને બદલે આફતનું રૂપ ધારણ કર્યું છે. માર્ચના પ્રારંભે કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી સાચી ઠરતા, આજે વહેલી સવારથી જ રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં મેઘરાજાએ અણધારી પધરામણી કરી છે. કચ્છ, દ્વારકા અને પોરબંદર પંથકમાં ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી માવઠું પડતા ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે.
કચ્છમાં માવઠાથી પદયાત્રીઓ મુશ્કેલીમાં:
કચ્છના વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો જોવા મળ્યો હતો, જ્યાં ભુજ શહેર સહિત આસપાસના મીરજાપર, સુખપર અને માનકુવા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. માંડવી પંથકમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને મતિયા દેવની પદયાત્રાએ જઈ રહેલા શ્રદ્ધાળુઓ આ કમોસમી વરસાદમાં ભીંજાતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
દ્વારકા અને સલાયામાં કાળાડિબાંગ વાદળો વચ્ચે વરસાદ:
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કુદરતનો મિજાજ બદલાયેલો જોવા મળ્યો હતો. ખંભાળિયા અને સલાયા પંથકમાં આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને તેજ પવનના સુસવાટા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અચાનક ખાબકેલા આ કમોસમી વરસાદને કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા સ્થાનિકોમાં કુતૂહલ સાથે ચિંતાની લાગણી જોવા મળી હતી.
જગતનો તાત ચિંતાતુર - ખેતીપાક પર જોખમ:
પોરબંદર શહેરમાં પણ પવન સાથે ઝરમર વરસાદ પડતા ગરમીથી ભલે થોડી રાહત મળી હોય, પરંતુ આ માવઠું ખેડૂતો માટે પાયમાલી લાવે તેવી શક્યતા છે. રવિ પાકની કાપણીના સમયે જ વારંવાર બદલાતા હવામાન અને વરસાદી ઝાપટાથી ઊભા પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આકાશી આફતને પગલે જગતના તાતની મહેનત પર પાણી ફરી વળવાની ચિંતાએ ખેડૂત આલમમાં ફફડાટ ફેલાવ્યો છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
