News of Thursday, 2nd April 2026
દિલ્હીના પાલમમાં મોતનો સામાન વેચતા ગેરકાયદેસર LPG ગેસ રેકેટનો પર્દાફાશ: રહેણાંક વિસ્તારમાં ચાલતો હતો રિફિલિંગનો જોખમી ખેલ!
પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ૪૫ ગેસ સિલિન્ડર અને ટેમ્પો જપ્ત કર્યો; કોઈ પણ સુરક્ષાના ધોરણો વગર એક બોટલમાંથી બીજી બોટલમાં ગેસ ચોરી કરવાનું કારસ્તાન ઝડપાયું

નવી દિલ્હી, તા.૨: દેશની રાજધાની દિલ્હીના પાલમ વિસ્તારમાં પોલીસની સતર્કતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે. પાલમ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની ટીમે રહેણાંક વિસ્તારમાં ધમધમતા ગેરકાયદેસર LPG ગેસ સ્ટોરેજ અને રિફિલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે અને ઘટનાસ્થળેથી ભારત ગેસના ૪૫ સિલિન્ડર સહિત ગેસ ચોરી કરવા માટે વપરાતા સાધનો જપ્ત કર્યા છે.
પેટ્રોલિંગ દરમિયાન મળી સફળતા
આ કાર્યવાહી ૨૮ માર્ચની વહેલી સવારે શરૂ થઈ હતી જ્યારે હેડ કોન્સ્ટેબલ રાજેશ નિયમિત પેટ્રોલિંગમાં હતા. તેમને બાતમી મળી હતી કે પાલમ ગામની આદર્શ ગલીમાં આવેલા એક ખાલી પ્લોટમાં ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. તુરંત જ એસઆઈ આર.પી. મીણાના નેતૃત્વમાં પોલીસ ટીમ ત્યાં પહોંચી તો એક ટેમ્પોમાં ગેસની બોટલો ભરેલી જોવા મળી હતી અને પ્લોટમાં ખુલ્લેઆમ ગેસ રિફિલિંગનું કામ ચાલી રહ્યું હતું.
સુરક્ષાના નામે મીંડું અને આર્થિક લાભનો લોભ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ધરપકડ કરાયેલા આરોપીઓ - અનાર સિંહ (ડ્રાઇવર), સત્યવીર (ડિલિવરી બોય) અને વિકાસ કુમાર (સહાયક) - જનકપુરીની એક ગેસ સર્વિસ સાથે સંકળાયેલા હતા. તેઓ આ પ્લોટ ભાડે રાખીને કોઈપણ પરવાનગી વગર ગેસ ચોરી કરતા હતા. આ શખ્સો નોઝલ અને વજન મશીનનો ઉપયોગ કરીને ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી ગેસ બીજા ખાલી સિલિન્ડરમાં ટ્રાન્સફર કરતા હતા, જે રહેણાંક વિસ્તાર માટે બોમ્બ સમાન જોખમી સાબિત થઈ શક્યું હોત.
કાયદેસરની કાર્યવાહી અને તપાસ
આ ગેરકાયદેસર પ્રવૃત્તિની પુષ્ટિ કરવા માટે દ્વારકાના એસડીએમ ઓફિસના અધિકારીઓ અને ભારત પેટ્રોલિયમના પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા હતા. ત્રણેય આરોપીઓ કોઈ પણ માન્ય લાયસન્સ રજૂ કરી શક્યા નહોતા. પોલીસે તમામ ૪૫ સિલિન્ડર, વજન મશીન અને ટેમ્પો જપ્ત કરી લીધા છે. પાલમ ગામ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રહેણાંક વિસ્તારોમાં આવા જોખમી કારસ્તાનો ચલાવતા તત્વો સામેની આ કાર્યવાહીથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
