<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

મીઠાઈની દુકાનથી સંસદ સુધી: જાણો કોણ છે અશોક મિત્તલ, જેમને રાઘવ ચઢ્ઢાના સ્થાને AAPએ બનાવ્યા રાજ્યસભાના ઉપનેતા

જલંધરની પ્રખ્યાત 'લવલી સ્વીટ્સ' થી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી ના સ્થાપક સુધીની સંઘર્ષમય સફર : આમ આદમી પાર્ટીએ શિક્ષણવિદ ડૉ. અશોક મિત્તલ પર ભરોસો મૂકી સોંપી મોટી રાજકીય જવાબદારી

નવી દિલ્હી:  આમ આદમી પાર્ટીએ રાજ્યસભામાં એક મોટો ફેરબદલ કરતા ફાયરબ્રાન્ડ નેતા રાઘવ ચઢ્ઢાના સ્થાને પંજાબના સાંસદ ડૉ. અશોક મિત્તલને ગૃહમાં પાર્ટીના ઉપનેતા તરીકે નિયુક્ત કર્યા છે. પાર્ટીએ આ ફેરફાર અંગે રાજ્યસભા સચિવાલયને સત્તાવાર પત્ર પણ મોકલી દીધો છે. ડૉ. મિત્તલની આ નિમણૂક પાછળ તેમનો શાંત સ્વભાવ અને શિક્ષણ ક્ષેત્રમાં તેમનું બહોળું પ્રદાન મુખ્ય કારણ માનવામાં આવે છે. દેશની સૌથી મોટી ખાનગી યુનિવર્સિટીઓમાંની એક, 'લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી' (LPU) ના ચાન્સેલર તરીકે તેઓ પહેલેથી જ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી ચૂક્યા છે.

ડૉ. અશોક મિત્તલની જીવનસફર કોઈપણ ફિલ્મની વાર્તા જેવી પ્રેરણાદાયક છે. તેમનો જન્મ પંજાબના જલંધરમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો, જ્યાં તેમના પિતા 'લવલી સ્વીટ્સ' નામની મીઠાઈની નાની દુકાન ચલાવતા હતા. યુવાનીમાં પોતાના ભાઈઓ સાથે મીઠાઈના વ્યવસાયમાં હાથ વટાવ્યા બાદ, અશોક મિત્તલે કંઈક અલગ કરવાનું સપનું જોયું. કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે શિક્ષણ ક્ષેત્રે ઝંપલાવ્યું અને વર્ષ 2005માં LPU ની સ્થાપના કરી. આજે આ સંસ્થા હજારો યુવાનોના ભવિષ્યને આકાર આપી રહી છે અને લાખો લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડે છે.

રાજકારણમાં પ્રવેશ્યા બાદ પણ અશોક મિત્તલે પોતાની ઓળખ એક ગંભીર અને વિકાસલક્ષી નેતા તરીકે જાળવી રાખી છે. વર્ષ 2022માં રાજ્યસભાના સાંસદ બન્યા પછી તેમણે શિક્ષણ અને રોજગાર જેવા મુદ્દાઓ પર સંસદમાં મજબૂત રજૂઆતો કરી છે. AAP દ્વારા તેમને ઉપનેતા બનાવવાનો નિર્ણય એ સંકેત આપે છે કે પાર્ટી હવે અનુભવી અને બૌદ્ધિક ચહેરાઓને આગળ કરીને પોતાની છબી વધુ મજબૂત કરવા માંગે છે. મીઠાઈની દુકાનથી શરૂ થયેલી તેમની આ સફર આજે ભારતીય સંસદના ઉચ્ચ ગૃહના મહત્વના હોદ્દા સુધી પહોંચી છે.

(7:12 PM IST)