તા. ૧૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૮ શનિવાર
News of Thursday, 2nd April 2026
પાકિસ્તાન 'આઉટ', પુતિન 'ઇન': અમેરિકા-ઈરાન યુદ્ધ રોકવા રશિયાએ સંભાળી કમાન
ટ્રમ્પની ૨-૩ અઠવાડિયામાં યુદ્ધની ધમકી અને ઈરાની નેતા કમાલ ખરાઝી પરના હુમલા બાદ પાકિસ્તાન મધ્યસ્થીમાં નિષ્ફળ : હવે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શાંતિ સ્થાપવા માટે 'માસ્ટર પ્લાન' સાથે મેદાનમાં ઉતર્યા

મોસ્કો: મધ્ય પૂર્વમાં ભભૂકી રહેલી અમેરિકા અને ઈરાન વચ્ચેની જંગની જ્વાળાઓને શાંત કરવા માટે હવે રશિયાએ એન્ટ્રી કરી છે. અત્યાર સુધી પાકિસ્તાન બંને દેશો વચ્ચે મધ્યસ્થીનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ એક અઠવાડિયા પછી પણ કોઈ બેઠક યોજવામાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યું છે. ૧ એપ્રિલના રોજ અમેરિકાએ ઈરાની નેતા કમાલ ખરાઝી પર હુમલો કર્યો, જે પાકિસ્તાન અને ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેની વચ્ચે કડી સમાન હતા. આ હુમલા બાદ ઈરાનનો વિશ્વાસ ડગી ગયો છે અને પાકિસ્તાનની ભૂમિકા નગણ્ય બની ગઈ છે. હવે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતે આ શાંતિ કરારની જવાબદારી સ્વીકારી છે.
રશિયાનો આ હસ્તક્ષેપ એવા સમયે આવ્યો છે જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રજોગ સંબોધનમાં ૨-૩ અઠવાડિયામાં મોટા યુદ્ધની શક્યતા વ્યક્ત કરી છે. બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી અમેરિકા ફરી હુમલો નહીં કરે તેવી ખાતરી ન આપે ત્યાં સુધી કોઈ વાટાઘાટો થશે નહીં. આ ગંભીર પરિસ્થિતિમાં પુતિનના પ્રેસ સેક્રેટરી દિમિત્રી પેસ્કોવે પુષ્ટિ કરી છે કે રશિયા શાંતિ લાવવા માટે જરૂરી તમામ પગલાં ભરી રહ્યું છે. રશિયન ગુપ્તચર વડા સેરગેઈ નારીશ્કિનની ટીમ પણ સતત અમેરિકી એજન્સીઓના સંપર્કમાં છે.
રાષ્ટ્રપતિ પુતિને આ સમાધાન માટે એક વિશેષ યોજના તૈયાર કરી છે, જેના ભાગરૂપે તેમણે ગુરુવારે (૨ એપ્રિલ) ઇજિપ્તના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી હતી અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર ચર્ચા કરી હતી. પુતિને જણાવ્યું કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને રોકીને રશિયા વૈશ્વિક વેપાર અને લોજિસ્ટિક્સ માળખાને સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી જ્યારે ચીનમાં તાલિબાન સાથે વ્યસ્ત છે, ત્યારે રશિયાએ આંતરરાષ્ટ્રીય સ્તરે આ શક્તિશાળી ભૂમિકા ભજવીને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
