તા. ૧૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૮ શનિવાર
News of Thursday, 2nd April 2026
ડિજિટલ દુનિયામાં મોટી રાહત: સિમ કાર્ડ વિના પણ ચાલશે WhatsApp અને ટેલિગ્રામ : સરકારે લીધો ચોંકાવનારો નિર્ણય
સાયબર ક્રાઈમ રોકવા માટે લવાયેલા 'સિમ-બાઈન્ડિંગ' નિયમોને દૂરસંચાર વિભાગે ૩૧ ડિસેમ્બર સુધી લંબાવ્યા : હવે વેબ વર્ઝન પરથી આપમેળે લોગ-આઉટ થવાની ઝંઝટમાંથી યુઝર્સને વર્ષના અંત સુધી મળી મુક્તિ

નવી દિલ્હી: ભારત સરકારના દૂરસંચાર વિભાગ દ્વારા ડિજિટલ સુરક્ષાને લઈને લેવામાં આવેલા એક કડક નિર્ણયમાં હાલ પૂરતી મોટી રાહત આપવામાં આવી છે. સાયબર છેતરપિંડી રોકવા માટે સરકારે 'સિમ-બાઈન્ડિંગ' માર્ગદર્શિકા જાહેર કરી હતી, જે મુજબ જો મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢી લેવામાં આવે તો WhatsApp અને ટેલિગ્રામ જેવી એપ્સ કામ કરતી બંધ થઈ જવાની હતી. જોકે, ટેકનિકલ કારણો અને એપલ (Apple) જેવી દિગ્ગજ કંપનીઓના વાંધાને ધ્યાનમાં રાખીને, સરકારે આ નિયમનો અમલ હવે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી મુલતવી રાખ્યો છે. આનો અર્થ એ છે કે યુઝર્સ હજુ પણ સિમ કાર્ડ વિના અથવા વાઈ-ફાઈ દ્વારા આ મેસેજિંગ એપ્સનો ઉપયોગ ચાલુ રાખી શકશે.
આ વિવાદનું મુખ્ય કેન્દ્ર વેબ વર્ઝન અને મલ્ટી-ડિવાઈસ લોગ-ઈન છે. નવા નિયમ મુજબ, સુરક્ષાના કારણોસર ડેસ્કટોપ કે લેપટોપ પર ચાલતા વોટ્સએપ વેબને દર છ કલાકે આપમેળે લોગ-આઉટ કરી દેવાની યોજના હતી, જેથી કોઈ અન્ય વ્યક્તિ તમારા એકાઉન્ટનો ખોટો ઉપયોગ ન કરી શકે. પરંતુ ટેક કંપનીઓએ આ પ્રક્રિયામાં આવતી ટેકનિકલ મુશ્કેલીઓ રજૂ કરતા સરકારે કંપનીઓને સિસ્ટમ અપડેટ કરવા માટે વર્ષના અંત સુધીનો વધારાનો સમય આપ્યો છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એવા સાયબર ગુનેગારોને રોકવાનો છે જેઓ સરહદ પારથી એક્ટિવ સિમ વગર માત્ર ઈન્ટરનેટના માધ્યમથી ડિજિટલ છેતરપિંડી આચરે છે.
ગયા વર્ષે નવેમ્બરમાં જારી કરાયેલી આ માર્ગદર્શિકામાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, મેસેજિંગ પ્લેટફોર્મ્સે ખાતરી કરવી પડશે કે એપ્લિકેશન સક્રિય સિમ કાર્ડ સાથે સતત જોડાયેલી રહે. જો ફોનમાંથી સિમ દૂર કરવામાં આવે, તો એકાઉન્ટ તાત્કાલિક નિષ્ક્રિય થઈ જવું જોઈએ. હાલમાં, એકવાર એકાઉન્ટ વેરિફાય થઈ ગયા પછી સિમ વગર પણ કોલિંગ અને મેસેજિંગ ચાલુ રહે છે, જેનો ફાયદો ગુનેગારો ઉઠાવે છે. હવે ૩૧ ડિસેમ્બર પછી આ 'લૂપહોલ' બંધ થઈ જશે, પરંતુ ત્યાં સુધી સામાન્ય યુઝર્સને કોઈ પણ ખલેલ વગર પોતાની મનપસંદ એપ્સ વાપરવાની છૂટ રહેશે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
