News of Thursday, 2nd April 2026
મુસ્લિમ અનામત પર કાયદાકીય જંગ: બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો ખુલાસો
શિક્ષણમાં 5% અનામત નાબૂદ કરવાના નિર્ણયને પડકારતી અરજી પર ન્યાયાધીશ રિયાઝ ચાગલાની બેન્ચનો આદેશ : એપ્રિલના અંત સુધીમાં સોગંદનામું રજૂ કરવા સરકારને તાકીદ : 4 મેના રોજ થશે અંતિમ સુનાવણી

મુંબઈ: મહારાષ્ટ્રમાં શિક્ષણ ક્ષેત્રે મુસ્લિમ સમુદાયને મળતી 5 ટકા અનામતને નાબૂદ કરવાના રાજ્ય સરકારના નિર્ણય પર બોમ્બે હાઈકોર્ટે લાલ આંખ કરી છે. ન્યાયાધીશ રિયાઝ ચાગલા અને ન્યાયાધીશ અદ્વૈત સેઠનાની ડિવિઝન બેન્ચે આ મામલે સુનાવણી કરતા સરકારને આકરા પ્રશ્નો પૂછ્યા હતા. કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે કે આ મહિનાના અંત સુધીમાં પોતાનું સોગંદનામું દાખલ કરીને સ્પષ્ટતા કરે કે કયા આધારે વર્ષ 2014 થી અમલમાં રહેલી આ વ્યવસ્થાને અચાનક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિવાદિત સરકારી ઠરાવ (GR) ને એડવોકેટ એજાઝ નકવીએ કોર્ટમાં પડકાર્યો છે.
અરજદાર એજાઝ નકવીની દલીલ છે કે 2014માં તત્કાલીન કોંગ્રેસ-NCP સરકારે મુસ્લિમ સમુદાયની આશરે 50 પછાત જાતિઓને શૈક્ષણિક પ્રગતિ માટે આ અનામત આપી હતી. હાઈકોર્ટે અગાઉ પણ આ અનામતને શિક્ષણ માટે માન્ય રાખી હતી, તેમ છતાં વર્તમાન સરકારે કોઈ નક્કર 'માપનક્ષમ ડેટા' વગર જ તેને પાછી ખેંચી લીધી છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ નિર્ણય બંધારણના સમાનતા અને બંધુત્વના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે અને તેનાથી સામાજિક રીતે પછાત વર્ગોના હિતોને મોટું નુકસાન થઈ રહ્યું છે.
આ કેસની આગામી સુનાવણી 4 મેના રોજ નિયત કરવામાં આવી છે, જે શિક્ષણ જગત અને રાજકારણ બંને માટે અત્યંત મહત્વની સાબિત થશે. કોર્ટે અરજદારને પણ તમામ વિવાદિત દસ્તાવેજોની અનુવાદિત નકલો સમયસર પૂરી પાડવા જણાવ્યું છે જેથી કાયદાકીય પ્રક્રિયામાં કોઈ અવરોધ ન આવે. જો સરકાર અનામત નાબૂદ કરવા પાછળના પૂરતા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેશે, તો હાઈકોર્ટ ફરીથી અનામત બહાલ કરવાનો આદેશ આપી શકે છે. હાલમાં સમગ્ર મહારાષ્ટ્રની નજર કોર્ટના આગામી વલણ પર ટકેલી છે.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
