News of Thursday, 2nd April 2026
અમેરિકાની 'પથ્થર યુગ'ની ધમકી પર ઈરાની જનરલનો પલટવાર: '૨૫૦ વર્ષ જૂનો દેશ ૬,૦૦૦ વર્ષ જૂની સભ્યતાને હરાવવાનું સપનું જોવાનું છોડી દે!'
ટ્રમ્પ અને સંરક્ષણ સચિવ પીટ હેગસેથની ચેતવણી સામે બ્રિગેડિયર જનરલ મૌસાવી લાલઘૂમ; હોલીવુડના ભ્રમમાં જીવતું અમેરિકા પોતાના સૈનિકોને કબર તરફ ધકેલી રહ્યું હોવાનો દાવો.

નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે, ત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને "પથ્થર યુગ" (Stone Age) માં પાછું ધકેલી દેવાની ધમકી આપ્યા બાદ, ઈરાનના IRGC એરોસ્પેસ ફોર્સના કમાન્ડર બ્રિગેડિયર જનરલ સૈયદ માજિદ મૌસાવીએ અત્યંત આક્રમક પ્રતિક્રિયા આપી છે. મૌસાવીએ અમેરિકાના ઇતિહાસ અને ઈરાનની પ્રાચીન સભ્યતાની સરખામણી કરીને વોશિંગ્ટનને ભીંસમાં લીધું છે.
ઇતિહાસ અને સભ્યતાનું યુદ્ધ
જનરલ મૌસાવીએ અમેરિકી સંરક્ષણ સચિવ પીટ હેગસેથની સોશિયલ મીડિયા પોસ્ટનો જવાબ આપતા કહ્યું કે, "માત્ર ૨૫૦ વર્ષનો ઇતિહાસ ધરાવતો દેશ જ્યારે ૬,૦૦૦ વર્ષ જૂની ભવ્ય સંસ્કૃતિને પથ્થર યુગમાં મોકલવાની વાત કરે છે, ત્યારે તે તેની મૂર્ખામી દર્શાવે છે." તેમણે વધુમાં ઉમેર્યું કે હોલીવુડની ફિલ્મોના ભ્રમે અમેરિકી નેતાઓના મગજમાં એટલું ઝેર ભરી દીધું છે કે તેઓ વાસ્તવિકતા ભૂલી ગયા છે. મૌસાવીએ ચેતવણી આપી છે કે અમેરિકા ઈરાનને ધમકી આપીને વાસ્તવમાં પોતાના જ સૈનિકોને મોતની ખાઈ કે કબર તરફ દોરી રહ્યું છે.
પીટ હેગસેથની વિવાદાસ્પદ પોસ્ટ
આ વિવાદ ત્યારે વકર્યો જ્યારે અમેરિકી સંરક્ષણ સચિવ પીટ હેગસેથે 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે જો ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીને મુક્ત અને સ્પષ્ટ નહીં કરે, તો અમેરિકા તેને સંપૂર્ણપણે નાશ કરશે. તેમણે લખ્યું હતું કે, "અમે ઈરાનને પથ્થર યુગમાં પાછું ધકેલી દઈશું." હેગસેથના મતે ઈરાનના વર્તમાન શાસને યુદ્ધવિરામની વિનંતી કરી છે, પરંતુ અમેરિકા તેની શરતો પૂરી થયા વગર પીછેહઠ કરવા તૈયાર નથી.
હોર્મુઝ સ્ટ્રેટ અને વૈશ્વિક તણાવ
વિશ્વના કુલ તેલ પરિવહનનો મોટો હિસ્સો જ્યાંથી પસાર થાય છે તે હોર્મુઝ સ્ટ્રેટ અત્યારે આ સંઘર્ષનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. અમેરિકા આ દરિયાઈ માર્ગ પર પોતાનું વર્ચસ્વ ઈચ્છે છે, જ્યારે ઈરાન તેને પોતાની સુરક્ષા માટે મહત્વનું ગણાવે છે. જનરલ મૌસાવીના આ તીખા તેવર દર્શાવે છે કે ઈરાન કોઈપણ લશ્કરી કાર્યવાહીનો સામનો કરવા માટે તૈયાર છે અને તે પોતાની પ્રાચીન સભ્યતાના ગૌરવ સાથે કોઈ બાંધછોડ કરવા માંગતું નથી.
આ નિવેદનબાજીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી દીધી છે, કારણ કે બંને દેશો વચ્ચેનો આ તણાવ હવે માત્ર શબ્દો સુધી સીમિત ન રહેતા ગમે ત્યારે મોટા લશ્કરી સંઘર્ષમાં ફેરવાઈ શકે છે.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
