News of Thursday, 2nd April 2026
ગેસ સંકટ વચ્ચે સરકારનો યુ-ટર્ન: પ્લાસ્ટિક અને પેકેજિંગ ઉદ્યોગને મળશે સંજીવની, LPG પુરવઠાના નિયમો હળવા
મેંપશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે સર્જાયેલી અછત બાદ પ્રોપીલીન સપ્લાય ફરી શરૂ કરવાનો રિફાઇનરીઓને આદેશ: કોન્ડોમથી લઈ FMCG અને પેકેજિંગ ક્ષેત્રમાં કાચા માલની તંગી દૂર કરવા પેટ્રોલિયમ મંત્રાલયનો મોટો નિર્ણય

નવી દિલ્હી: સરકારે ઘરેલુ ગેસ (LPG) ના પુરવઠાને લઈને લાદવામાં આવેલા કડક નિયમોમાં મોટી છૂટછાટ આપવાની જાહેરાત કરી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે હોર્મુઝની ખાડીમાં સર્જાયેલા અવરોધ બાદ સરકારે 9 માર્ચે તમામ રિફાઇનરીઓને માત્ર LPG ઉત્પાદન પર જ ધ્યાન આપવા આદેશ આપ્યો હતો. જોકે, આ નિર્ણયથી પ્લાસ્ટિક, પેકેજિંગ, ખાદ્ય-પીણાં અને કોન્ડોમ ઉત્પાદન જેવા મહત્વના ઉદ્યોગોમાં કાચા માલ (પ્રોપીલીન) ની ભારે અછત સર્જાઈ હતી. હવે, પરિસ્થિતિની ગંભીરતાને સમજીને પેટ્રોલિયમ મંત્રાલયે રિફાઇનરીઓને પેટ્રોકેમિકલ ઉદ્યોગ માટે પ્રોપીલીનનો મર્યાદિત પુરવઠો ફરી શરૂ કરવા નિર્દેશ આપ્યો છે.
પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ સ્પષ્ટ કર્યું હતું કે આ ફેરફારથી સામાન્ય ગ્રાહકોના ઘરેલુ ગેસ સિલિન્ડરના પુરવઠા પર કોઈ નકારાત્મક અસર પડશે નહીં. ભારત પોતાની જરૂરિયાતનો 60 ટકા LPG આયાત કરે છે, જેમાંથી 90 ટકા હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આવે છે. ઈરાન કટોકટીને કારણે આ દરિયાઈ માર્ગ પ્રભાવિત થતા સ્થાનિક ઉત્પાદન વધારવું અનિવાર્ય બન્યું હતું. પરંતુ ઉદ્યોગો ઠપ્પ ન થાય તે માટે સરકારે હવે વાણિજ્યિક LPG ફાળવણીની મર્યાદા જે પહેલા 20 ટકા હતી, તેને વધારીને 70 ટકા સુધી પહોંચાડી દીધી છે, જે એક મોટી રાહત સમાન છે.
આ વધારાના પુરવઠામાં રેસ્ટોરાં, હોટલ, ફૂડ પ્રોસેસિંગ યુનિટ અને ખાસ કરીને હોસ્પિટલોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં વિવિધ રાજ્યોમાં 60,000 ટન વાણિજ્યિક LPG અને 4.3 લાખ નાના સિલિન્ડરોનો સપ્લાય કરવામાં આવ્યો છે. સ્ટીલ અને ઓટોમોબાઈલ જેવા શ્રમ-સઘન ક્ષેત્રો, જ્યાં કુદરતી ગેસનો વિકલ્પ ઉપલબ્ધ નથી, તેમને પણ આ નવી ફાળવણીમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સરકારના આ સંતુલિત અભિગમથી એકતરફ રસોડામાં ગેસ સળગતો રહેશે અને બીજી તરફ ઉદ્યોગોના પૈડાં પણ ગતિમાં રહેશે.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
