News of Friday, 3rd April 2026
ચૂંટણીના જંગ વચ્ચે ગુજરાતમાં વસતિ ગણતરી પર બ્રેક : ૨૬મી એપ્રિલે મતદાનને પગલે જનગણનાનો કાર્યક્રમ અનિશ્ચિત સમય માટે લંબાયો
૧૫ મહાનગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીમાં વહીવટી તંત્ર વ્યસ્ત રહેવાનું હોવાથી ૫મી એપ્રિલથી શરૂ થનારો ડિજિટલ ડેટા કલેક્શનનો પ્લાન મોકૂફ : હવે નવી તારીખોની જાહેરાત બાદ જ ઘરે-ઘરે જઈને થશે હાઉસ લિસ્ટિંગ

ગાંધીનગર: ગુજરાતમાં ૨૬મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગતાની સાથે જ વસતિ ગણતરીની પ્રક્રિયા પર વિરામ મુકાયો છે. આગામી ૫મી એપ્રિલથી રાજ્યભરમાં જે ઓનલાઇન વસતિ ગણતરીનો પ્રારંભ થવાનો હતો, તેને ચૂંટણીલક્ષી કામગીરીને ધ્યાનમાં રાખીને હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. જનગણના વિભાગ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને રાજ્ય સરકારે ગ્રાહ્ય રાખી છે, કારણ કે હજારો સરકારી કર્મચારીઓ આગામી ચૂંટણીના બંદોબસ્ત અને પ્રક્રિયામાં જોડાવાના છે.
ચૂંટણીના કારણે વહીવટી તંત્ર પર ભાર:
રાજ્યમાં ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ૧૦ હજારથી વધુ બેઠકો માટે એકસાથે મતદાન થવાનું છે. ૨૬મી એપ્રિલે વોટિંગ અને ૨૮મી એપ્રિલે મતગણતરી હોવાથી આ સમયગાળા દરમિયાન વસતિ ગણતરી જેવી વિશાળ કામગીરી શક્ય નથી. આથી, જનગણના વિભાગે સરકારમાં કરેલી દરખાસ્ત મંજૂર થતા હવે વસતિ ગણતરી માટેની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે.
દેશમાં પ્રક્રિયા ચાલુ, ગુજરાતમાં વિલંબ:
સમગ્ર દેશમાં વસતિ ગણતરીનો પ્રથમ તબક્કો ૧ એપ્રિલથી શરૂ થઈ ચૂક્યો છે, જે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ચાલશે. આ તબક્કામાં મકાનોની યાદી તૈયાર કરવામાં આવશે. જોકે, ગુજરાતમાં ચૂંટણીના કારણે આ પ્રક્રિયા થોડી મોડી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી ૨૦૨૭માં બીજા તબક્કા દરમિયાન આઝાદી પછી પહેલીવાર જાતિ આધારિત ડેટા પણ લેવામાં આવશે.
ડિજિટલ એપ અને ૩૩ પ્રશ્નોની તૈયારી:
દેશની આ પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસતિ ગણતરીમાં કર્મચારીઓ કાગળ-પેનને બદલે સ્માર્ટફોન એપનો ઉપયોગ કરશે. નાગરિકોને કુલ ૩૩ પ્રશ્નો પૂછવામાં આવશે અને દરેક ઘરનું લોકેશન 'જિયો-રેફરન્સિંગ' દ્વારા ડિજિટલ મેપ પર અંકિત કરાશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે વસતિ ગણતરીના નામે કોઈ કર્મચારી બેંક વિગતો કે વ્યક્તિગત નાણાકીય દસ્તાવેજો માંગી શકે નહીં, તેથી જનતાએ આવી છેતરપિંડીથી સાવધ રહેવું. હાલ તો ગુજરાતમાં આ તમામ પ્રક્રિયા પર ચૂંટણીના માહોલને કારણે પૂર્ણવિરામ મુકાયું છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
