News of Friday, 3rd April 2026
ઈરાને ૧૫ દિવસમાં બીજું અમેરિકન F-૩૫ તોડી પાડયું
કાટમાળની તપાસમાં બ્રિટનના લેકનહીથ એર બેઝના કનેક્શન મળતા ખળભળાટ

તેહરાન, તા.૩: ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષે હવે આકાશી જંગનું સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ લાગે છે. ઈરાની સેનાના ખાતિમ અલ-અંબિયા મુખ્યાલયે એક સનસનાટીભર્યો દાવો કરતા જણાવ્યું છે કે, મધ્ય ઈરાનના મરકાઝી પ્રાંતમાં તેમણે અમેરિકાનું અત્યંત શક્તિશાળી F-૩૫ ફાઇટર જેટ તોડી પાડ્યું છે. અલ-જઝીરાના અહેવાલો મુજબ, આ વિમાનના કાટમાળમાંથી એવા પુરાવા મળ્યા છે જે સૂચવે છે કે આ જેટે બ્રિટન સ્થિત યુએસ એરફોર્સના મુખ્ય મથક લેકનહીથ એર બેઝ પરથી ઉડાન ભરી હતી. જોકે, આ ઘટનામાં પાઈલટની સ્થિતિ અને મિશનના હેતુ અંગે હજુ પણ રહસ્ય અકબંધ છે, પરંતુ આ દાવાએ વૈશ્વિક સંરક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.
આ ઘટનાની સૌથી ગંભીર બાબત એ છે કે ઈરાને છેલ્લા ૧૫ દિવસમાં બીજા F-૩૫ને તોડી પાડ્યાનો દાવો કર્યો છે. આ અગાઉ ૧૯ માર્ચના રોજ પણ ઈરાને એક વીડિયો જાહેર કરીને અમેરિકન વિમાન પર હુમલાનો દાવો કર્યો હતો, જોકે તે સમયે વિમાન કોઈક રીતે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં સફળ રહ્યું હતું. પરંતુ આ વખતે ઈરાને વધુ આક્રમક વલણ અપનાવતા વિમાનના ટુકડાઓના ફોટા જાહેર કર્યા છે. મેહર ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે પાઈલટને બહાર નીકળવાની તક પણ મળી ન હતી. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે ભૂતકાળમાં આવા દાવાઓને નકારી કાઢયા હતા, પરંતુ આ વખતે પુરાવાઓ સામે હોવાથી તેમની પ્રતિક્રિયા પર સૌની મીટ મંડાયેલી છે.
વર્તમાન યુદ્ધ જેવી સ્થિતિમાં અમેરિકાએ અત્યાર સુધીમાં અંદાજે ૧૬ થી ૨૦ જેટલા લશ્કરી વિમાનો અને ડ્રોન ગુમાવ્યા હોવાના આંકડા સામે આવી રહ્યા છે. જેમાં ઈરાને ખાસ કરીને ૯ થી ૧૨ જેટલા ઘાતક MQ-૯ રીપર ડ્રોન તોડી પાડ્યા હોવાનું મનાય છે. રસપ્રદ વાત એ છે કે, અમેરિકાના કેટલાક નુકસાન પાછળ ટેકનિકલ ખામીઓ અને કુવૈતી દળો દ્વારા થયેલી ફ્રેન્ડલી ફાયર જેવી ઘટનાઓ પણ જવાબદાર છે, જેમાં ત્રણ F-15E સ્ટ્રાઈક ઈગલ વિમાનોનો સમાવેશ થાય છે. જો ઈરાનનો આ તાજો દાવો સાચો સાબિત થાય, તો તે અમેરિકાની આકાશી સર્વોપરિતા માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
