News of Friday, 3rd April 2026
મિડલ ઈસ્ટ યુદ્ધની આર્થિક અસર ખાળવા મોદી સરકાર એક્શન મોડમાં: ૨ લાખ કરોડના ‘યુદ્ધ રાહત પેકેજ’ ની તૈયારી, MSME સેક્ટરને મળશે મોટું કવચ
કોરોના કાળ જેવી ECLGS સ્કીમ ફરી લાવી શકે છે કેન્દ્ર સરકાર; આગામી ૧૫ દિવસમાં જાહેરાતની શક્યતા, સપ્લાય ચેઈન અને લિક્વિડિટીની સમસ્યા હલ કરવા માસ્ટરપ્લાન

નવી દિલ્હી: તા.૩ પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા તણાવની આર્થિક અસરો ભારત પર ન પડે તે માટે મોદી સરકારે અત્યારથી જ કમર કસી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણા મંત્રાલય અંદાજે ૨ લાખ કરોડ રૂપિયાની એક વિશેષ ક્રેડિટ સ્કીમ પર કામ કરી રહ્યું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એવા ક્ષેત્રોને રાહત આપવાનો છે જેઓ યુદ્ધના કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાતા મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
કોરોના કાળના મોડેલ પર ભરોસો
આ પ્રસ્તાવિત યોજના વર્ષ ૨૦૨૦ માં કોરોના મહામારી દરમિયાન લાવવામાં આવેલી ‘ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ’ (ECLGS) જેવી જ હશે. આ યોજના હેઠળ અસરગ્રસ્ત ઉદ્યોગોને વિનામૂલ્યે અને સરળતાથી લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે. નાણા મંત્રાલયનું ફાઈનાન્શિયલ સર્વિસીસ ડિપાર્ટમેન્ટ આ સ્કીમને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે અને આગામી બે સપ્તાહમાં તેને લાગુ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
MSME સેક્ટર પર વિશેષ ધ્યાન
સરકારનું મુખ્ય લક્ષ્ય માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) છે. આ નાના અને મધ્યમ ઉદ્યોગો વૈશ્વિક અસ્થિરતા અને કાચા માલની સપ્લાય અટકવાને કારણે સૌથી વધુ પ્રભાવિત થતા હોય છે. આ રાહત પેકેજથી તેમને બજારમાં ટકી રહેવા માટે જરૂરી લિક્વિડિટી (રોકડ) મળી રહેશે, જેથી ઉત્પાદન અને રોજગારી પર માઠી અસર ન પડે.
પૂર્વતૈયારી તરીકે ‘પ્રિકશનરી કુશન’
જોકે હાલમાં ભારતીય અર્થતંત્ર પર કોઈ તાત્કાલિક મોટું દબાણ નથી, પરંતુ સ્થિતિ ગમે ત્યારે બગડી શકે તેવી આશંકાને જોતા સરકાર અગમચેતીના પગલાં લઈ રહી છે. આ ૨ લાખ કરોડનું પેકેજ એક ‘સેફ્ટી નેટ’ તરીકે કામ કરશે. નિષ્ણાતોના મતે, યુદ્ધ ભલે ટૂંકા સમયમાં શાંત થાય, પરંતુ તેની આર્થિક અસરો લાંબા સમય સુધી રહેતી હોય છે, તેથી આ પ્રકારની પૂર્વતૈયારી અનિવાર્ય છે.
સપ્લાય ચેઈન અને તેલના ભાવનું જોખમ
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવથી હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વના દરિયાઈ માર્ગો બ્લોક થવાનું જોખમ છે, જેનાથી ભારતની નિકાસ અને આયાત બંને મોંઘી થઈ શકે છે. સરકાર આ સ્કીમ દ્વારા ઉદ્યોગ જગતને એવો વિશ્વાસ અપાવવા માંગે છે કે ગમે તેવા વૈશ્વિક સંકટમાં પણ દેશનું આર્થિક માળખું ડગમગશે નહીં.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
