News of Friday, 3rd April 2026
મહાશક્તિ અમેરિકાની શરમજનક હાર? ઈરાને અજેય ગણાતા F-35 ને તોડી પાડી પાયલટને જીવતો પકડ્યો !
પશ્ચિમ ઈરાનના આકાશમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: અમેરિકાનું સૌથી ઘાતક ફાઈટર જેટ ધૂળ ચાટતું થયું અને પાયલટ IRGC ના સકંજામાં ફસાતા ટ્રમ્પ વહીવટીતંત્ર માટે 'બ્લેક ફ્રાઈડે' જેવી સ્થિતિ

તેહરાન: મધ્ય પૂર્વના રણમેદાનમાં એક એવો ધડાકો થયો જેણે સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે તેમણે અમેરિકાના અત્યંત અદ્યતન અને 'અજેય' ગણાતા F-35 લાઈટનિંગ-II ફાઈટર જેટને પશ્ચિમ ઈરાનના કોહગિલુયેહ પ્રાંતમાં તોડી પાડ્યું છે. આ માત્ર વિમાનનો વિનાશ નથી, પરંતુ ટેકનોલોજીના ગર્વ પર મોટો પ્રહાર છે. ઈરાની ન્યૂઝ એજન્સીઓના મતે, આ વિમાન અમેરિકાના પ્રખ્યાત 'લેકેહીથ સ્ક્વોડ્રન'નો હિસ્સો હતું, જે દુનિયાના કોઈ પણ ખૂણે ત્રાટકવા માટે સક્ષમ માનવામાં આવે છે, પરંતુ ઈરાની સંરક્ષણ પ્રણાલી સામે તે લાચાર સાબિત થયું.
ઘટનાની સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, વિમાન ક્રેશ થતા પહેલા પાયલટ પેરાશૂટ દ્વારા સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો, પરંતુ તે ઈરાની ધરતી પર ઉતરતા જ શિકાર બની ગયો. અહેવાલો મુજબ, પાયલટ પોતાનો જીવ બચાવવા પહાડી વિસ્તારોમાં ભાગી રહ્યો હતો અને અમેરિકી સેના તેને રેસ્ક્યૂ કરવા માટે ઓપરેશન લોન્ચ કરે તે પહેલા જ IRGC ના જવાનોએ તેને જીવતો પકડી લીધો હતો. આ પાયલટ હવે ઈરાનની કસ્ટડીમાં હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, જે યુએસ સેના માટે અત્યાર સુધીની સૌથી મોટી ગુપ્તચર અને સૈન્ય નિષ્ફળતા માનવામાં આવી રહી છે.
આ ઘટનાએ વ્હાઇટ હાઉસ અને ખાસ કરીને રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુત્સદ્દીગીરી માટે ગંભીર સંકટ ઉભું કર્યું છે. જો આ પાયલટ ખરેખર ઈરાનના કબજામાં હોય, તો તેહરાન તેને યુદ્ધવિરામ અથવા મંત્રણામાં એક મોટા 'બાર્ગેનિંગ ચિપ' તરીકે વાપરી શકે છે. અમેરિકા માટે પોતાના સૈનિકને સહીસલામત પાછો લાવવો એ હવે આબરૂનો સવાલ બની ગયો છે. આ હુમલા બાદ ખાડી ક્ષેત્રમાં યુદ્ધની જ્વાળાઓ વધુ ભભૂકે તેવી શક્યતા છે, કારણ કે 'અજેય' F-35 ના વિનાશે સત્તાનું સંતુલન ખોરવી નાખ્યું છે.
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
