<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

ભારતની ઉર્જા સુરક્ષાનો નવો 'સુપરહીરો': રશિયા-અરબ દેશોને પછાડી આ અજ્ઞાત આફ્રિકન દેશ બન્યો 'લાઇફલાઇન'!

અંગોલા પાસેથી ૨ મિલિયન બેરલ તેલની ખરીદી સાથે ભારતે બદલ્યું વૈશ્વિક મથામણનું ગણિત : પશ્ચિમી દેશોના ટેરિફ દબાણ અને યુદ્ધ વચ્ચે આફ્રિકાના તેલ ભંડારે ભારતને આપી મોટી રાહત

નવી દિલ્હી:  વિશ્વ જ્યારે ઈરાન અને રશિયા-યુક્રેન સંઘર્ષની આગમાં સપડાયેલું છે, ત્યારે ભારતે અત્યંત ચતુરાઈથી પોતાની ઉર્જા રણનીતિમાં મોટો ફેરફાર કર્યો છે. અત્યાર સુધી રશિયા અને ગલ્ફ દેશો પર નિર્ભર રહેતું ભારત હવે આફ્રિકન દેશ અંગોલા તરફ વળ્યું છે. માર્ચ ૨૦૨૬ના તાજેતરના આંકડા મુજબ, અંગોલા ભારતનો ત્રીજો સૌથી મોટો તેલ સપ્લાયર બનીને ઉભરી આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) દ્વારા કરવામાં આવેલી ૨ મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની ખરીદીએ સાબિત કરી દીધું છે કે ભારત હવે કોઈ એક ભૌગોલિક ક્ષેત્ર પર નિર્ભર રહેવા માંગતું નથી. અંગોલાનું 'હેંગો' અને 'ક્લોવ' ગ્રેડનું તેલ ભારતીય રિફાઇનરીઓ માટે સોના જેવું માનવામાં આવે છે, કારણ કે તેમાંથી પેટ્રોલ અને ડીઝલનું વધુ ઉત્પાદન થાય છે.

રશિયા પર લાદવામાં આવેલા કડક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને અમેરિકાના ટેરિફ દબાણને કારણે રશિયન તેલની આયાત બે વર્ષના લઘુત્તમ સ્તરે પહોંચી છે. આ શૂન્યાવકાશને ભરવા માટે ભારતે નાઇજીરીયા અને અંગોલા જેવા આફ્રિકન દેશો સાથે દોસ્તી ગાઢ બનાવી છે. રસપ્રદ વાત એ છે કે, એક તરફ સાઉદી અરેબિયા અને ઈરાક જેવા પરંપરાગત સપ્લાયર્સ પાસેથી આયાત ઘટી રહી છે, ત્યારે અંગોલાથી તેલનો પ્રવાહ ૧૦૩ બેરલથી વધીને સીધો ૩.૨૭ લાખ બેરલ પ્રતિ માસ પર પહોંચી ગયો છે. આ માત્ર વ્યાપાર નથી, પરંતુ પશ્ચિમી દેશોના દબાણ સામે ભારતની આર્થિક સ્વાયત્તતાનું પ્રતીક છે, જે વૈશ્વિક બજારમાં તેલના ભાવને સ્થિર રાખવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યું છે.

ભારત અને અંગોલા વચ્ચેના સંબંધો ૪૧ વર્ષ જૂના છે, જે હવે વ્યૂહાત્મક ભાગીદારીમાં ફેરવાઈ રહ્યા છે. ૧૯૮૫માં ઔપચારિક સંબંધો સ્થાપિત થયા ત્યારથી ભારતે હંમેશા અંગોલાના વિકાસમાં સાથ આપ્યો છે. આજે ભારત અંગોલાનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે અને બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર $૩.૨ બિલિયનને વટાવી ગયો છે. ઓમાન અને નાઇજીરીયાની સાથે અંગોલા હવે ભારત માટે ગેસ (LNG) નો પણ મોટો સ્ત્રોત બની રહ્યો છે. જે રીતે ભારતે રશિયા, બ્રાઝિલ અને આફ્રિકા વચ્ચે સંતુલન જાળવ્યું છે, તે જોતા સ્પષ્ટ થાય છે કે આગામી સમયમાં અંગોલા ભારતની ઉર્જા જરૂરિયાતો માટે સૌથી ભરોસાપાત્ર 'ગ્લોબલ પાર્ટનર' સાબિત થશે.

(7:06 PM IST)