બંગાળ પોલીસની મોટી સફળતા: માલદામાં ન્યાયિક અધિકારીઓને બંધક બનાવનાર ‘માસ્ટરમાઇન્ડ’ બાગડોગરા એરપોર્ટ પરથી ઝડપાયો, ફ્લાઇટ પકડી ભાગી જવાની હતી પેરવી
૭ ન્યાયિક અધિકારીઓને સાડા સાત કલાક સુધી કેદ રાખનાર એડવોકેટ મોફક્કરુલ ઇસ્લામની ધરપકડ; કાલિયાચક કાંડમાં અત્યાર સુધી ISF ઉમેદવાર સહિત ૩૩ શખ્સો જેલના સળિયા પાછળ

સિલિગુડી: પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં ન્યાયિક અધિકારીઓના ઘેરાવ અને તેમને બંધક બનાવવાની ગંભીર ઘટનામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ સમગ્ર ઘટનાના કથિત માસ્ટરમાઇન્ડ એડવોકેટ મોફક્કરુલ ઇસ્લામની સિલિગુડીના બાગડોગરા એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી હવાઈ માર્ગે રાજ્ય છોડીને ભાગી જવાની ફિરાકમાં હતો, પરંતુ પોલીસે ચોક્કસ બાતમીના આધારે તેને ફ્લાઇટમાં ચઢતા પહેલા જ દબોચી લીધો હતો.
શું હતી કાલિયાચકની એ ખૌફનાક ઘટના?
બુધવારે રાત્રે માલદાના કાલિયાચક-II બ્લોક ઓફિસમાં સાત ન્યાયિક અધિકારીઓ મતદાર યાદીના કામમાં વ્યસ્ત હતા. તે સમયે વિરોધીઓના એક ટોળાએ BDO ઓફિસને ઘેરી લીધી હતી અને આ અધિકારીઓને અંદર પુરી દીધા હતા. મતદાર યાદીમાંથી કથિત રીતે નામો કાઢી નાખવાના વિરોધમાં આ અધિકારીઓને સાડા સાત કલાક સુધી બંધક બનાવી રાખવામાં આવ્યા હતા. છેવટે મધ્યરાત્રિએ સુરક્ષા દળોએ ભારે જહેમત બાદ તમામ અધિકારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
તપાસનો ધમધમાટ અને ધરપકડનો આંકડો
વરિષ્ઠ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોફક્કરુલ ઇસ્લામ આ સમગ્ર કાવતરાનો મુખ્ય સૂત્રધાર છે. તેની ધરપકડ સાથે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૩૩ લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (ISF) ના એક ઉમેદવારનો પણ સમાવેશ થાય છે. પોલીસ અત્યારે આ ઘટનામાં અન્ય કોઈ મોટા માથા સામેલ છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
ન્યાયતંત્રમાં રોષ અને સુરક્ષાના સવાલો
ન્યાયિક અધિકારીઓને આ રીતે કલાકો સુધી બંધક બનાવવાની ઘટનાએ પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને જ્યારે અધિકારીઓ ચૂંટણીલક્ષી સંવેદનશીલ કામગીરી કરી રહ્યા હોય ત્યારે તેમની સુરક્ષામાં થયેલી આ ચૂક ચિંતાનો વિષય બની છે. ધરપકડ કરાયેલા આરોપીને હવે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
