<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

ઈરાનના પહાડોમાં અમેરિકી કમાન્ડોનું હાઈ-વોલ્ટેજ રેસ્ક્યુ ઓપરેશન: એક પાઈલટ સુરક્ષિત, બીજા માટે આભ-જમીન એક કરતું વોશિંગ્ટન

પર્વતીય વિસ્તારોમાં IRGC અને યુએસ હેલિકોપ્ટરો વચ્ચે સર્જાયા યુદ્ધ જેવા દ્રશ્યો : ઈરાને પાઈલટને પકડવા માટે ઈનામની કરી જાહેરાત

તેહરાન  : ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના 35મા દિવસે યુદ્ધના મેદાનમાં એક નવો વળાંક આવ્યો છે. ઈરાની દળોએ દક્ષિણ-પશ્ચિમ ઈરાનના આકાશમાં અમેરિકાના અત્યાધુનિક F-15E ફાઈટર જેટને તોડી પાડવાનો દાવો કર્યો, જેનાથી સમગ્ર વિશ્વમાં સનસનાટી મચી ગઈ છે. વિમાનમાં સવાર બે ક્રૂ મેમ્બરો પેરાશૂટ દ્વારા દુશ્મનના પ્રદેશમાં ઉતર્યા હોવાના અહેવાલો વચ્ચે, અમેરિકી સૈન્યએ રાતના અંધારામાં અત્યંત જોખમી 'કોમ્બેટ સર્ચ એન્ડ રેસ્ક્યુ' ઓપરેશન હાથ ધર્યું હતું. ન્યૂ યોર્ક ટાઇમ્સના જણાવ્યા અનુસાર, ઈરાની સૈન્ય ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ અમેરિકી સ્પેશિયલ ફોર્સે વીજળીક વેગે કાર્યવાહી કરી એક ક્રૂ મેમ્બરને સુરક્ષિત રીતે બચાવી લીધો છે, જેને અમેરિકાની મોટી વ્યૂહાત્મક જીત માનવામાં આવી રહી છે.

બીજી તરફ, બીજા ગુમ થયેલા પાઈલટની શોધ હવે લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ રહી છે. કોહકિલોયેહ અને બોયર-અહમદ પ્રાંતના દુર્ગમ પહાડી વિસ્તારોમાં અમેરિકી હેલિકોપ્ટરો નીચી ઊંચાઈએ ઉડાન ભરી રહ્યા છે, જ્યાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) દ્વારા તેમના પર સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. ઈરાની મીડિયાએ આ વિસ્તારમાં ઉડતા અમેરિકી ડ્રોન અને વિમાનોના ફૂટેજ જાહેર કર્યા છે. અમેરિકી સંરક્ષણ વિભાગ માને છે કે બીજો પાઈલટ હજુ જીવિત છે અને તે પર્વતીય ગુફાઓમાં છુપાયેલો હોઈ શકે છે. આ જંગ જેવી સ્થિતિમાં અમેરિકા પોતાના જવાનને છોડવા તૈયાર નથી, જ્યારે ઈરાન તેને પકડવા માટે પોતાની પૂરી તાકાત લગાવી રહ્યું છે.

આ ઘટનાએ મુત્સદ્દીગીરી અને યુદ્ધના તમામ નિયમોને નેવે મૂકી દીધા છે. ઈરાની સ્ટેટ ટીવીએ સ્થાનિક ગ્રામીણ જનતાને અપીલ કરી છે કે જો તેઓ અમેરિકી પાઈલટને જુએ તો તેમને પકડીને પોલીસને સોંપી દે, જેના બદલામાં મોટા ઈનામની લાલચ પણ આપવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, શરૂઆતમાં ઈરાની ચેનલો પર "પાઈલટ દેખાય તો ગોળી મારી દો" તેવા સંદેશા પણ વહેતા થયા હતા. જો ઈરાની દાવો સાચો સાબિત થાય અને સાબિત થાય કે F-15E ને ખરેખર તોડી પાડવામાં આવ્યું છે, તો આ પાંચ અઠવાડિયાથી ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકા માટે આ સૌથી મોટો ફટકો હશે અને તેનાથી ખાડી દેશોમાં મહાયુદ્ધની જ્વાળાઓ વધુ ભડકી શકે છે.

(10:20 PM IST)