<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

રાજસ્થાનના રણમાં કુદરતનો અજીબોગરીબ કરિશ્મો: તપતી રેતી પર બરફની ચાદર પથરાતા જેસલમેર બન્યું 'મીની કાશ્મીર'

માત્ર ૨૦ મિનિટના કરાના તાંડવે સોનેરી રેતીને સફેદ બરફમાં ફેરવી નાખી : પ્રવાસીઓ માટે મનોહર દ્રશ્ય પણ જગતના તાત માટે આભ ફાટ્યા જેવી સ્થિતિ, જીરું અને ઈસબગુલનો પાક થયો જમીનદોસ્ત

જેસલમેર:   રાજસ્થાનની જે રેતી સૂર્યના તાપમાં સોનાની જેમ તપે છે, ત્યાં શુક્રવારે કુદરતે એક એવો નજારો દેખાડ્યો જેણે સૌને સ્તબ્ધ કરી દીધા. જેસલમેર અને આસપાસના રણ વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાયું અને કાળાડિબાંગ વાદળો વચ્ચે માત્ર ૨૦ મિનિટ સુધી કરાનો એવો વરસાદ પડ્યો કે રણની રેતી ક્યાંય દેખાતી નહોતી. ચારેતરફ બરફની સફેદ ચાદર પથરાઈ જતાં રણપ્રદેશ જાણે કાશ્મીરની વાદીઓમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં લોકો રેતીને બદલે બરફના ગોળા સાથે રમતા જોવા મળ્યા હતા, જે રણના ઇતિહાસમાં એક દુર્લભ અને આશ્ચર્યજનક ઘટના માનવામાં આવી રહી છે.

પરંતુ, આ નયનરમ્ય દ્રશ્યની પાછળ ખેડૂતોની વેદના છુપાયેલી છે. જે સમયે ખેતરોમાં જીરું, ઈસબગુલ અને સરસવનો પાક લણણી માટે તૈયાર હતો, બરાબર તે જ સમયે કુદરતે પ્રહાર કર્યો. શ્રીગંગાનગરથી લઈને બિકાનેર સુધીના પટ્ટામાં મોટા કદના કરા પડવાથી તૈયાર પાક કચડાઈ ગયો છે. નાચાણા વિસ્તારના ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ આકાશી આફતે તેમની આખા વર્ષની કમાણી મિનિટોમાં ધૂળમાં મેળવી દીધી છે. જીરું અને ઈસબગુલ જેવા મોંઘા પાકોના દાણા કરાના મારે ખરી પડ્યા છે, જેના કારણે ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે અને અનેક પરિવારો આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે.

હવામાન વિભાગે હાલમાં 'ઓરેન્જ એલર્ટ' જારી કરીને આગામી દિવસોમાં પણ પશ્ચિમી વિક્ષેપ  ને કારણે આવી જ સ્થિતિ રહેવાની ચેતવણી આપી છે. રાજસમંદમાં તો વાવાઝોડાની તીવ્રતા એટલી વધુ હતી કે અનેક વૃક્ષો ધરાશાયી થયા અને ઘરના છાપરા ઉડી ગયા હતા. વહીવટીતંત્રે ગ્રામીણ વિસ્તારોમાં નુકસાનીનો અંદાજ મેળવવા સર્વેની કામગીરી શરૂ કરી છે. એક તરફ પ્રકૃતિનું આ 'સફેદ સૌંદર્ય' આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, તો બીજી તરફ આ કમોસમી વરસાદે રણપ્રદેશના અર્થતંત્રના પાયા ગણાતી ખેતીને જોરદાર ફટકો માર્યો છે.

(10:21 PM IST)