હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુપીમાં કમોસમી વરસાદ અને વીજળીનો કહેર : આકાશી વીજળી પડતા દંપતી અને બાળકો સહિત સાત લોકોના કમકમાટીભર્યા મોત
પૂર્વાંચલ અને બુંદેલખંડમાં વાવાઝોડા સાથે કરા પડતા ખેતીના પાકને ભારે નુકસાન : વારાણસીમાં શિક્ષક દંપતીનું મોત, પાંચ લોકો ગંભીર રીતે દાઝ્યા અને અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો

લખનૌ:ઉત્તર પ્રદેશના વિવિધ ભાગોમાં શુક્રવારે મોડી સાંજે વાતાવરણમાં આવેલા પલટાએ વિનાશ વેર્યો છે. પૂર્વાંચલ અને બુંદેલખંડ વિસ્તારમાં ગાજવીજ સાથે ત્રાટકેલા વાવાઝોડા અને આકાશી વીજળી પડવાની ઘટનાઓમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અનેક સ્થળોએ ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થતા વાહનવ્યવહાર અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.
વારાણસીમાં દંપતીનું કરૂણ મોત:
વારાણસી જિલ્લાના સિંધોરા વિસ્તારના ભદેવલીમાં આકાશી વીજળી પડવાની સૌથી મોટી દુર્ઘટના બની હતી. અહીં વરસાદ દરમિયાન ઝાડ નીચે ઉભેલા ૫૯ વર્ષીય શિક્ષક રમેશચંદ્ર ભારતી અને તેમના ૫૫ વર્ષીય પત્ની ચમેલા દેવી પર વીજળી પડતા બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ ઉપરાંત જાઠી ગામ અને ચારો ગ્રામસભામાં અન્ય પાંચ લોકો વીજળીની ઝપેટમાં આવતા ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ભદોહીના ચૌરી વિસ્તારમાં પણ ૧૨ વર્ષીય પ્રાઈસ પાલનું વીજળી પડવાથી મોત થયું છે.
બુંદેલખંડમાં બે બાળકો સહિત ચારના મોત:
બુંદેલખંડના ચિત્રકૂટમાં બકરીઓ ચરાવવા ગયેલા ચાર બાળકો પર વીજળી ત્રાટકી હતી. ભરતકૂપ પોલીસ સ્ટેશન વિસ્તારના રજૌલી પુરવા ગામના ૧૩ વર્ષીય વિકાસ અને ૧૩ વર્ષીય કરનનું આ ઘટનામાં મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે બાળકો ગંભીર હોવાથી જિલ્લા હોસ્પિટલમાં રિફર કરાયા છે. આ ઉપરાંત રૈપુરાના કુઈ ગામમાં ૫૦ વર્ષીય રજપતિયા અને લલિતપુરના જરાવલીમાં ૧૫ વર્ષીય કિશોરનું પણ વીજળી પડવાથી મોત નીપજ્યું હતું.
ખેતીના પાકને ૩૦ થી ૪૦ ટકા નુકસાન:
ઝાંસી, હમીરપુર, મહોબા અને બાંદામાં પવન સાથે હળવો વરસાદ પડ્યો હતો, જ્યારે ઉરઈમાં કરા પડ્યા હતા. આ કમોસમી વરસાદને કારણે ખેતરોમાં ઉભેલા પાકને ૩૦ થી ૪૦ ટકા જેટલું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આઝમગઢમાં વૃક્ષો પડવાને કારણે મહારાજગંજ-રાજેસુલતાનપુર માર્ગ બંધ રહ્યો હતો, જ્યારે બલિયામાં વીજ લાઈન પર ઝાડ પડતા અડધા ડઝન ગામોમાં અંધારપટ છવાઈ ગયો હતો. સોનભદ્ર, ગાઝીપુર, મૌ અને જૌનપુર સહિતના જિલ્લાઓમાં પણ આંધ્રી-વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
