હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘લોટરી કિંગ’ ના પરિવારનો અજબ ચૂંટણી ખેલ: એક જ ઘરમાં ત્રણ પક્ષોનો વાવટો, પત્ની AIADMK માં, પુત્ર પોતાની પાર્ટીમાં અને જમાઈ વિજયની TVK માં!
તમિલનાડુ અને પુડુચેરીના ચૂંટણી મેદાનમાં માર્ટિન પરિવારનો દબદબો; ૫૯૭ કરોડની સંપત્તિ સાથે પુત્ર મેદાનમાં, તો પત્ની અને જમાઈ અલગ-અલગ બેઠકો પરથી અજમાવશે નસીબ

ચેન્નાઈ: ભારતના સૌથી મોટા 'લોટરી કિંગ' તરીકે જાણીતા સેન્ટિયાગો માર્ટિનનો પરિવાર અત્યારે દક્ષિણ ભારતના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. તમિલનાડુ અને પુડુચેરીની આગામી વિધાનસભા ચૂંટણીમાં માર્ટિન પરિવારના સભ્યો એક-બે નહીં પણ ત્રણ અલગ-અલગ રાજકીય પક્ષો તરફથી ચૂંટણી લડી રહ્યા છે. લોકશાહીના આ પર્વમાં એક જ પરિવારના સભ્યોની અલગ-અલગ રાજકીય વિચારધારા અને પક્ષો પ્રત્યેની વફાદારીએ રાજકીય વિશ્લેષકોને પણ વિચારતા કરી દીધા છે.
પત્ની લિમા રોઝ: AIADMK નો ગઢ સંભાળશે
માર્ટિન ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી ૫૯ વર્ષીય લિમા રોઝ તાજેતરમાં જ AIADMK માં જોડાયા છે. પક્ષે તેમને મહિલા પાંખના સંયુક્ત સચિવ જેવી મહત્વની જવાબદારી સોંપી છે અને તિરુચિરાપલ્લીના લાલગુડી વિધાનસભા મતવિસ્તારમાંથી ટિકિટ આપી છે. લિમા રોઝ અત્યારે જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે.
પુત્ર જોસ ચાર્લ્સ: પોતાની પાર્ટી અને ૫૯૭ કરોડની સંપત્તિ
સેન્ટિયાગો માર્ટિનના પુત્ર જોસ ચાર્લ્સ માર્ટિન પણ આ વખતે પાછળ નથી. અગાઉ ભાજપ સાથે જોડાયેલા જોસ ચાર્લ્સે પોતાની અલગ પાર્ટી 'લચ્છિયા જનનયાગા કાચી' (LJK) ની સ્થાપના કરી છે. તેઓ અત્યારે NDA ગઠબંધન હેઠળ પુડુચેરીના કામરાજ નગરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે પોતાની સોગંદનામામાં ₹૫૯૭ કરોડની જંગી સંપત્તિ જાહેર કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.
જમાઈ આદવ અર્જુન: વિજયની પાર્ટીનો ચહેરો
આ પરિવારનો ત્રીજો મોટો દાવ જમાઈ આદવ અર્જુન છે. અર્જુને ફેબ્રુઆરી ૨૦૨૫ માં તમિલ સુપરસ્ટાર વિજયની પાર્ટી 'તમિલગા વેટ્રી કઝગમ' (TVK) માં જોડાવાનો નિર્ણય લીધો હતો. તેઓ અગાઉ VCK સાથે હતા, પરંતુ હવે તેઓ ચેન્નાઈના વિલ્લીવાક્કમથી TVK ના ઉમેદવાર તરીકે મેદાનમાં છે.
પરિવારના અલગ રસ્તા પર જોસ ચાર્લ્સનું નિવેદન
એક જ પરિવારના ત્રણ સભ્યો ત્રણ અલગ પક્ષોમાંથી ચૂંટણી લડતા હોવા અંગે ૩૮ વર્ષીય જોસ ચાર્લ્સે સ્પષ્ટતા કરી છે કે, "લોકશાહીમાં એ જરૂરી નથી કે પરિવારના દરેક સભ્ય એક જ વિચારધારા કે પક્ષને ટેકો આપે. દરેકને પોતાની પસંદગી કરવાનો અધિકાર છે."
૯ અને ૨૩ એપ્રિલે યોજાનારી આ ચૂંટણીમાં ‘લોટરી કિંગ’ ના પરિવારના નસીબની લોટરી લાગે છે કે કેમ, તેના પર હવે આખા દક્ષિણ ભારતની નજર ટકેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
